સોમવાર, 1 ફેબ્રુઆરી, 2010

ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ

મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી પર છે. પણ પ્રાણીઓને ભૂખ લાગે છે. જેમ જેમ ભૂખ વધતી જાય છે તેમ તેમ તેનો આવેગ પ્રબળ થતો જાય. જેમ જેમ આવેગ પ્રબળ બનતો જાય તેમ તેમ તે પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવતાં જાય. તેનાં વિનય, વિવેક, સમજણ વગેરે આવેગના વંટોળમાં ઊડી જાય. સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ આવેગની તાણમાં તણાઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. પ્રાણીમાત્ર આ વ્યથાની પકડમાં પકડાયેલાં છે.
મહાભારતમાં યુદ્ધમેદાનમાં હણાયેલા પોતાના સો પુત્રોનાં શબ જોઈને વ્યાકુળ બનેલી ગાંધારી હૃદયફાટ રુદન કરી રહી છે. આ કરુણ દ્રશ્ય જોઈને અર્જુનને પીડા થાય છે. જરૂર ગાંધારી રડી રડીને મરી જશે તેવી ખાતરી થાય છે. પણ શ્રી કૃષ્ણ ગંભીર છે. તે કહે છે, ‘અર્જુન, મારી પ્રકૃતિને જો. પ્રાણી ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, એટલે વિશ્વ ચાલે છે.’ થોડી જ વારમાં ગાંધારીને ભૂખ લાગે છે. ક્રમે ક્રમે ભૂખનો આવેગ વધતો જાય છે. અહીં રણમેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું ? પણ તેની નજર દૂરના એક આમ્રવૃક્ષ ઉપર પડે છે. ત્યાં જઈને જુએ છે તો એક સરસ મજાની પાકેલી કેરી દેખાય છે. ઊંચા હાથ કરીને તોડવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હાથ પહોંચાયો નહિ. ઊંચા થવા માટે પોતાના પુત્રનું શબ લઈ આવીને ઉપર ચડીને કેરીને તોડવાનો પ્રયત્ન કર્યો તોપણ કેરી ઊંચી જ રહી. એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘જો અર્જુન, આ કુદરતની વ્યવસ્થા જો. ભૂખના આવેગ આગળ આ માતા રાંક થઈ ગઈ છે. પુત્રશોકમાં વ્યાકુળ બનેલી હવે એ જ સ્ત્રી ભૂખની પીડાથી વ્યાકુળ થઈને પુત્રોનાં શબ ગોઠવી રહી છે.
ભૂખનો આવેગ કુદરતી વ્યવસ્થા છે. તેમાં પણ બે વિભાગ છે : પેટમાંથી ઉત્પન્ન થયેલો આવેગ અને રસનેન્દ્રિયમાંથી સ્વાદ માટે ઉત્પન્ન થયેલો આવેગ. કુદરતે માત્ર ઉદરમાં જ ભૂખ મૂકી હોત અને સ્વાદનો આવેગ ન મૂક્યો હોત તો માણસ મોટા ભાગે મશીન કે અર્ધમશીન જેવો બની ગયો હોત. જેમ મોટરગાડીની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરી લેવાય છે તેમ માણસ પણ પોતાના ખાલી પેટમાં ગમે તે ખોરાક ભરી લેત. પણ માણસ મશીન નથી. તેને સ્વાદ જોઈએ છે. માત્ર પેટ ભરવાનો પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વસ્તુઓથી પેટ ભરવાનો પ્રશ્ન છે. ઘણી વાર ઉદર તૃપ્ત હોય પણ સ્વાદેન્દ્રિય અતૃપ્ત હોય. માત્ર સ્વાદેન્દ્રિયની તૃપ્તિ માટે જે ખોરાક લેવાય છે તે અસંયમ છે, અતિભોગ છે. તે કુદરતી પણ નથી. એટલે તેનાં પરિણામે રોગ છે. અહીંથી માણસની જવાબદારી શરૂ થાય છે. ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં પૂરક બને તો ખોરાક સુખરૂપ થવાની સાથે જીવન બને છે. પણ જો ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં વિરોધી બને તો ખોરાક દુ:ખરૂપ બનીને જીવનને મૃત્યુમાં પલટાવે છે. કેટલાક લોકોએ એવો માર્ગ શોધ્યો કે ખોરાક અને સ્વાદ બંનેનો ત્યાગ કરવો. આત્મબળ દ્વારા કે દુરાગ્રહ દ્વારા આવી પ્રક્રિયા થોડા દિવસો તો ચલાવી શકાય, પણ અંતે ખોરાકની અનિવાર્યતા રહેવાની જ. એટલે આ માર્ગમાં સાતત્ય નથી. ઘણી વાર એવું પણ બને કે ખોરાક અને સ્વાદનો ત્યાગ કરેલો હોય એવો માણસ અંતે બેબાકળો થઈને ખોરાક ઉપર તૂટી પડે. આ સંયમ નથી પણ નિગ્રહ છે. નિગ્રહ કુદરતી નથી. એટલે નિગ્રહની પાળ તૂટવાની જ છે. કોઈની બે દિવસ વહેલી તૂટે તો કોઈની બે દિવસ મોડી તૂટે. પણ નિગ્રહ કદી ચિરંજીવી ન હોઈ શકે. (હા, સંયમ જરૂર ચિરંજીવી થઈ શકે.) નિગ્રહની પાળ જ્યારે તૂટે છે ત્યારે તળાવનું સંગ્રહાયેલું તમામ પાણી વહી જાય છે. તળાવ ખાલી થઈ જાય છે અને વહેલું પાણી સ્વયં નષ્ટ થઈ, બરબાદી પ્રસરાવે છે, તેમ તૂટેલો નિગ્રહ પ્રચંડ વેગથી વહેવા માંડે છે. એટલે ખોરાકનો નિગ્રહ એ કલ્યાણમાર્ગ નથી.
કેટલાક લોકોએ એક બીજો માર્ગ શોધ્યો. તે છે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ. માપસરનો ખોરાક ખાવાનો પણ તેને સ્વાદ વિનાનો બનાવીને ખાવાનો. ખોરાક સ્વાદ વિનાનો હોય એટલે આપોઆપ તેની માત્રા ઓછી થઈ જાય. સ્વાદના કારણે વધુ ને વધુ ખાવાનો લોભ ન રહે. એટલે ખોરાકની માત્રા સીમિત થઈ જાય. આ માર્ગ પહેલા માર્ગ કરતાં થોડો ઠીક છે. પણ આમાં પણ નિગ્રહ તો છે જ. સ્વાદનો નિગ્રહ તન-મન બંનેને હાનિ પહોંચાડે છે તે વાત વૈરાગ્યભાવવાળા લોકો ભૂલી જાય છે. કુદરતે મુખમાં સ્વાદ મૂક્યો છે તે માત્ર સ્વાદસુખ મેળવવા કે અકરાંતિયા થઈને ખા ખા કરવા નથી મૂક્યો. પણ ખોરાક સાથે સ્વાદની અનિવાર્ય ઉપયોગિતા સ્થાપિત કરવા મૂક્યો છે. જેમ ઘંટીમાં અનાજ નાખો અને તેનો લોટ થઈ જાય, તેમ મોઢામાં ખોરાક મૂકો અને તે પકવાશયમાં જઈને પચી જાય તેવી વ્યવસ્થા નથી. ખોરાકને જોતાં જ તમારા મોઢામાં પાણી આવે, તો નિશ્ચિત પ્રકારના હૉર્મોન ઉત્પન્ન થાય. આ હૉર્મોન ખોરાકને પચાવવાના રસો ઉત્પન્ન કરે છે. આ રસોથી ખોરાક પચે છે. ખોરાકને જોઈને જ જો મોઢું બગડી જાય, કડવી દવા જોતાં તથા તે પીતાં જે દશા થાય છે તેવી દશા થાય તો ઊલટા હૉર્મોન ઉત્પન્ન થાય, તેથી ખોરાક પચે નહિ. સતત અપ્રિય ખોરાક ખાવાથી અજીર્ણ, મરડો, એનીમિયા અને અલ્પાહારની બીમારીઓ થવા લાગે છે. એટલે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ એ માર્ગ પણ યોગ્ય નથી.
જીવન માટે સ્વાદ જરૂરી છે. પણ સ્વાદ વિકૃત ન હોય, વિસંવાદી ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદનો અત્યંત ત્યાગ જો લોકચાહના મેળવવા માટે કર્યો હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. મોટા ભાગે કુદરતી જીવનનો ત્યાગ કોઈ ને કોઈ રીતે લોકચાહના માટે જ કરાતો હોય છે, કોઈ ખોરાક અને સ્વાદ છોડી દે અથવા સ્વાદ વિનાનો ખોરાક લે તો લોકો તેને ત્યાગ-વૈરાગ્ય માને છે. તેથી અંજાઈ જાય છે. અંજાયેલા લોકો આવી વ્યક્તિઓમાં ચમત્કારોની સૃષ્ટિ ઊભી કરે છે. ચમત્કારોની કાલ્પનિક સૃષ્ટિમાં પેલી વ્યક્તિનું વ્યક્તિત્વ નિરૂપણ થવા લાગે છે. આ આખા મિથ્યાવ્યક્તિત્વને પોષવા માટે પેલો ખોરાક અને સ્વાદનો ત્યાગ મૂલાધાર બને છે. એટલે ઉપરથી મહાન ગણાતા આવા પુરુષો અંદરથી વાંસ જેવા પોલા અને વ્યક્તિત્વ વિનાના બની જાય છે. લોકચાહનારૂપી લક્ષ્યને સિદ્ધ કરવા ખોરાક અને સ્વાદનો નિગ્રહ એ સાધના બની જાય છે.
આવા માણસોનું બરાબર નિરીક્ષણ કરશો તો દેખાશે કે તેઓ રોગી, ફિક્કા, નિસ્તેજ, દુર્બળ અને જોમ-જુસ્સ્સા વિનાના, મંદ ઈચ્છાશક્તિવાળા હોય છે. હા, જો લોકચાહના લક્ષ્ય ન હોય તો આટલી બધી વિકૃતિ નથી આવતી પણ મોટા ભાગે જ્યાં અકુદરતી નિગ્રહો જ પ્રતિષ્ઠાનું માપ બનતા હોય ત્યાં પ્રારંભમાં આવા નિગ્રહો પોતાની આત્મતૃપ્તિ માટે આચરાયા હોય તો પણ આગળ જતાં એ લોકચાહનાનાં સાધનો બની જતાં હોય છે. એટલે શરૂઆતમાં માત્ર સ્વેચ્છાથી જે વ્યક્તિ આવો નિગ્રહ કરતી હોય છે, તે આગળ જતાં સ્વેચ્છાની જગ્યાએ લોકેષણાના દબાણ નીચે આવી જતી હોય છે. લોકેષણાના દબાણમાં આવેલી વ્યક્તિને આગળ જતાં પોતાની ભૂલ સમજાય તો પણ તે ભૂલને સુધારી શકતી નથી, ઊલટાનું પોતાની ભૂલને જ આદર્શ, તપ અથવા ત્યાગનો જામો પહેરાવવાનું ચાલુ રાખે છે. પ્રજાની વિકૃતિનું આ મૂળ છે.
એક ત્રીજો માર્ગ છે. ખોરાક અને સ્વાદ બન્નેનો નિગ્રહ નહિ, પણ બંનેનો સંયમ. ખોરાક લેવાનો જ, તે પણ સ્વાદિષ્ટ ખોરાક લેવાનો, ઉચિત માત્રામાં હિત-મિત-પથ્ય સાથે લેવાનો. રસોઈ પણ કળા છે. તેનું પણ એક શાસ્ત્ર છે – ‘પાકશાસ્ત્ર’. આહાર એ કુદરતી વ્યવસ્થા છે. તનમનને રુચે, ગમે તેવો અને આરોગ્યનાં પરિણામ આપે તેવો યોગ્ય સ્વાદિષ્ટ ખોરાક લેવાનો જ. તેથી સુખ, તૃપ્તિ અને શાન્તિ ત્રણે મળે છે. ભૂખના આવેગને ત્રાસરૂપ માની તેમાંથી મુક્ત થવા ખોરાકનો નિગ્રહ કરવો અને સ્વાદના આવેગથી છૂટવા સ્વાદમાત્રનો નિગ્રહ કરવો, એ કુદરતી માર્ગ નથી, એટલે હિતાવહ પણ નથી. ભૂખ્યા માણસનું મન સતત ખોરાકનું ચિંતન કર્યા કરશે. જ્યારે તૃપ્ત થયેલા માણસનું મન ખોરાકથી પાછું હઠીને શાન્તિનો અનુભવ કરશે. અશાન્તિનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.

[‘આવેગો અને લાગણીઓ’ પુસ્તકમાંથી સાભાર.]

શનિવાર, 16 જાન્યુઆરી, 2010

થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !

ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,

ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,

એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,

એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,

કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી

સોમવાર, 11 જાન્યુઆરી, 2010

પ્રાર્થના

હે પ્રભુ,

હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં

તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં

તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તિ માટે જતારી ભક્તિ કરતી હોઉં

તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથીવંચિત ન રાખીશ. (સંત રાબિયા)

મંગળવાર, 5 જાન્યુઆરી, 2010

વાંક શું ગણવા ?

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,

તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,

દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે

અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,

તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
-અશરફ ડબાવાલા

રવિવાર, 20 ડિસેમ્બર, 2009

સુવિચાર

* દુનિયામાં મરવું સૌથી આસાન છે.- શેકસ્પિયર

* મન નરકને સ્વર્ગ બનાવી શકે છે અને સ્વર્ગને નરક. – મિલ્ટન

* વિચારશૂન્યતા એ આપણા યુગની સૌથી મોટી સાર્વજનિક આપત્તિ છે. – રસ્કિન

* પ્રેમ તો મિલનના અભાવમાં જ સંપૂર્ણ અને વ્યથામાં જ મધુર છે. – શરદચન્દ્ર

* સૌથી મોટી ભૂલ કોશિશ ન કરવી તે છે. – અનામી
* હસવાવાળા લાખોપતિ દુર્લભ છે. – કાર્નેગી

ગુરુવાર, 17 ડિસેમ્બર, 2009

એ સાચા શબ્દનાં પરમાણ

આપ કરી લે ઓળખાણ
એ સાચા શબ્દનાં પરમાણ
સાકર કહે નહીં, હું છું મીઠી
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબ્દનાં પરમાણ
કોયલ ટહુકે આંબા ડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે
ગંગા વહતી સમથળ ઢાળે
ખેંચ નહીં, નહીં તાણ
એ સાચા શબ્દનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે
અંતરથી એમ ઉઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબ્દનાં પરમાણ

મનુભાઇ ત્રિવેદી

મંગળવાર, 15 ડિસેમ્બર, 2009

પ્રેરક કથા

[1]ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’‘મેં એક વિચિત્ર શોધ કરી છે’ રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’
[2]હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું ? આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’
[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2009

લેખકનો ધર્મ

લેખકનો ધર્મ – રવીન્દ્રનાથ ઠાકુર
મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો ને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમે તેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)

બુધવાર, 2 ડિસેમ્બર, 2009

મહાન વિચાર

* પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.-શ્રીમદ્ રાજચંદ્ર
* મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ?-ગાંધીજી
* જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે.-ખલીલ જિબ્રાન
* પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે.-વિનોબા ભાવે
* સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય. -બર્ટ્રાન્ડ રસેલ
* હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ.-ઐતરેય ઉપનિષદ
* દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે.-પ્રે. મહાદેવ ધોરિયાણી
* તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ.-રોબર્ટ બ્રાઉનીંગ
* જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે.-ચાણક્ય
* જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે.-બેન્જામીન ફ્રેન્કલીન
* જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.-સ્વામી વિવેકાનંદ

ગુરુવાર, 26 નવેમ્બર, 2009

પ્રાર્થના

હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)

સોમવાર, 23 નવેમ્બર, 2009

હચમચી કયાં છે ?

જાત આખીય હચમચી કયાં છે ?
વેદના પણ જરા બચી ક્યાં છે ?
વાર તો લાગશે હજી નમતા,

ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?
એટલે શબ્દનાં વળે ડૂચા

વાત ભીતર કશી પચી ક્યાં છે ?
મૌન પથ્થર સમું ધરી બેઠા,

વાત મારી કોઈ જચી કયાં છે ?
સોળ શણગાર કૈં સજે ‘સુધીર’,

એ ગઝલ તો હજી રચી ક્યાં છે ?
- સુધીર પટેલ

સોમવાર, 16 નવેમ્બર, 2009

થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,

ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,

એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,

એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,

કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી

મંગળવાર, 10 નવેમ્બર, 2009

વાંચનની કળા

[1]વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી
[2]જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈપણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. – પંડિત સુખલાલજી
[3]જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન
[4]જીવનમાં આપણે આમતેમ પડ્યા હોઈએ છીએ ત્યારે પુસ્તકો આપણને ફરી પાછાં કદાચ ઠીકઠાક કરી દે છે, જેમ માનો કાળજી ભર્યો હાથ ઘરની અવ્યવસ્થાને ફરી પાછો વ્યવસ્થિત કરી દે એમ. પુસ્તકો આપણી ભૂમિમાં વવાય છે એટલું જ. એમાંથી શું ઉગશે એની ખુદ જમીનને પણ ક્યાં ખબર હોય છે ? – સુરેશ દલાલ
[5]કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ
[6]પુસ્તક વાંચવાની આદત પ્રશંસનીય છે પરંતુ જેઓ ઘણાંબધાં પુસ્તકો ઝપાટાબંધ વાંચી નાખે છે એમના પ્રત્યે હું આશંકાથી જોઉં છું. મને એવી શંકા થાય છે કે ઝપાટાબંધ ઘણાં પુસ્તકો વાંચનારાઓ એ પુસ્તકોને ચીવટથી વાંચતા નહિ હોય. તેઓ પાનાં ઊથલાવ્યે જતાં હશે અને એક-બે દિવસોમાં વાંચેલું વિસરીયે જતાં હશે. પુસ્તક જો વાંચવા જેવું હોય તો એને પૂરતા લક્ષ અને પૂરતી ચીવટથી વાંચવું જોઈએ. – જવાહરલાલ નહેરુ
[7]વાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
[8]ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય. – સર પ્રભાશંકર પટ્ટણી
[9]ખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન
[10]પૂરેપૂરા નિરક્ષર, બીનકેળવાયેલા માણસ રહો; પરંતુ જો તમે એક સારા પુસ્તકનાં દસ પાનાં, અક્ષરેઅક્ષર એટલે કે પૂરેપૂરી ચોકસાઈથી વાંચો તો તમે હંમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલા માણસ બનો. કેળવણી અને બીનકેળવણી વચ્ચેનો ખરો તફાવત (કેળવણીના બૌદ્ધિક વિભાગ પૂરતો વિચાર કરતાં) આ ચોકસાઈમાં જ રહ્યો છે. – રસ્કિન.

[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.]

ગુરુવાર, 5 નવેમ્બર, 2009

ગઝલ

લખાવો મને !

વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!

એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !

સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.

જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.

સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.
- રાકેશ ઠક્કર

શનિવાર, 31 ઑક્ટોબર, 2009

શાંતિપ્રાપ્તિનો કીમિયો

બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2009

હિન્દી ગઝલ

ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !

मैंने होठो़ से ना कहा भी हो,

वो मगर दिल की सुनता भी हो !

उनकी ही खास ये अदा भी हो,

शोखी के साथ में हया भी हो !

लाल हुई हैं आँखे सुरज की,

रात को देर तक जगा भी हो !

मैं ही शायद निकल गया आगे,

वक़्त कुछ देर तक रुका भी हो !

जिन्दगीभर की है दुआ “सुधीर”,

आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2009

દિલમાં દીવો કરજો !

જ્યારે આસપાસ હો અંધારું, દિલમાં દીવો કરજો !
અજવાળું ફેલાશે પરબારું, દિલમાં દીવો કરજો !

આ ચોઘડીયું છે સુંદર, લીંપી આંગણિયું ને ઉંબર;
મૂરત જાળવવા શુભ ને સારું, દિલમાં દીવો કરજો !

બ્હાર હવાનાં તોફાનો, અંદર પણ છે કૈં અરમાનો ;
તેલ તમે પૂરજો કૈં સધિયારું, દિલમાં દીવો કરજો !

યુગો બાદ મળી છે જ્યોતિ, આજ પરોવી લો મોતી ;
પળ નહિ પૂરું જીવન શણગારું, દિલમાં દીવો કરજો !

એ ભલે નથી કૈં સૂરજ, પણ કરશે રોશન સૌ બૂરજ ;
સુખ ‘સુધીર’ ટમટમશે સહિયારું, દિલમાં દીવો કરજો !
-સુધીર પટેલ

બુધવાર, 7 ઑક્ટોબર, 2009

દિલ ઢૂંઢતા હૈ

જી ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસદ કે રાત દિન,
બૈઠે રહે તસવ્વુરે – જાનાં કિયે હુએ.’- ગાલિબ

ગાલિબ આ શેરમાં પ્રેમના એ મુગ્ધાવસ્થાના દિવસોની વાત કહે છે જેમાં નિરાંતે પ્રિયતમાની કલ્પના રાત દિવસ કરી શકાતી હતી. એ જમાનો વિતી ગયો છે અને હવે જીવનની વ્યસ્તતામાં આવો પ્રણય સંભવ નથી. માટે દિલ એ ફુરસદ શોધી રહ્યું છે જેમાં મુગ્ધતાનો એ સમય પાછો લાવી શકાય. આ શેરમાં ‘ફિર’ શબ્દ પર ભાર મુકાયો છે જે વિતેલા સમયનો અહેસાસ અપાવે છે. પ્રેમ ભલે હોય પણ મુગ્ધાવસ્થાનો સમય બહુ લાંબો ટકતો નથી. એ દિવસો જેવી કલ્પનાની ઉડાન અને નિરાંત પાછી આવતી નથી. ‘મોસમ’ ફિલ્મમાં ગુલઝારે આ શેરનો મુખડા તરીકે ઉપયોગ કરી એક ગીત રચ્યું હતું. જેમાં અક્ષર ‘જી’ ના સ્થાને ‘દિલ’ શબ્દ વાપર્યો છે.
–સૌ. શ્રી બકુલ બક્ષી.

સોમવાર, 5 ઑક્ટોબર, 2009

વિચારવા જેવા વિચાર

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. — કાકા કાલેલકર
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે. — યોગવસિષ્ઠ
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. — સ્વામી અખંડઆનંદ સરસ્વતી
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2009

વીંધી ગઝલ.

દિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.
છોડવું ગમશે બધું,
એક આ બાંધી ગઝલ.
અર્થનું કર લક્ષ્ય ને,
નાંખ તું વીંધી ગઝલ.
દિલની દોલત એ જ છે ,
માંગતા દીધી ગઝલ.
જોઇ એનો પ્રેમ ખૂબ,
આજ થૈ ઘાંઘી ગઝલ.
ભૂલવા આ લોકને,
દોસ્ત મેં સાધી ગઝલ.
શબ્દ તો છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.
રાકેશ ઠક્કર