મંગળવાર, 4 જાન્યુઆરી, 2011

વિચાર કણિકાઓ

* દાન આપતી વખતે હાથમાં શું હતું તે નહીં પણ દિલમાં શું હતું તે જોવાનું છે. ફાધર વાલેસ

* પ્રાર્થના એ કંઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે. ગાંધીજી

* આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે. વિનોબા ભાવે

* ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે. ડૉ. ક્રાઉન

* ચિંતા, પરેશાની, તનાવ આ બધું પરિસ્થિતિ સામે લડવાથી દૂર થતાં નથી પણ આપણી અંદર રહેલી કમજોરીઓને દૂર કરવાથી જ નષ્ટ થાય છે. રહીમ

* તમારો ભય તમારી પાસે જ રહેવા દો, પણ તમારી હિંમત બીજાને પણ આપો. સ્ટિવન્સન

* વિચાર એ એક એવું પંખી છે, જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઊડવા માટે અશક્ત છે. ખલિલ જિબ્રાન

* તમને જે કંઈ જોઈએ છે તે બધું જ મળશે, સ્મિત વેરીને મેળવો, બળના જોરે કે તલવારના ઘાથી નહિ. શેક્સપિયર

* જે ઘરમાં માતા નથી, પત્ની કર્કશા, વહેમી અને ઉદ્ધત છે એવા પુરુષે તો વનમાં ચાલ્યા જવું કારણ કે તેને માટે ઘર અને વન સરખાં જ છે. ચાણક્ય

* હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહિ હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, મનોરંજનના સાધનો હશે પરંતુ એની કિંમત સાટે એમણે પોતાના મનની શાંતિને ગીરો મૂકી હશે. વિન્સ્ટન ચર્ચિલ

સોમવાર, 27 ડિસેમ્બર, 2010

ગઝલ સાહિત્યના કેટલાક યાદગાર શેર – ભાગ બીજો

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.

રઈશ મનીઆર

સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.

ગની દહીંવાલા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'
ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

અમૃત 'ઘાયલ'

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

મુકુલ ચોક્સી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

અંકિત ત્રિવેદી

ગુરુવાર, 23 ડિસેમ્બર, 2010

ગઝલ સાહિત્યના કેટલાક યાદગાર શેર

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

મનહરલાલ ચોક્સી

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

ગૌરાંગ ઠાકર

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ભગવતીકુમાર શર્મા

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

નયન દેસાઈ

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

રતિલાલ 'અનિલ'

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

જલન માતરી

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

બરકત વિરાણી બેફામ

ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.

અંકિત ત્રિવેદી

બુધવાર, 22 ડિસેમ્બર, 2010

એમ ક્યાં બોલાય છે !

આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !

કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?

માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !

સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

- રાકેશ હાંસલિયા

શુક્રવાર, 17 ડિસેમ્બર, 2010

સંબંધો

કેટલાક સંબંધો હોય છે- મોરપિચ્છ જેવા
સુંવાળા ને આંખોને ગમે તેવા.
કેટલાક સંબંધો હોય છે- ચંદ્ર, તારા જેવા
દૂરથી જ જોવાના, સ્પર્શી શકાય નહિ તેવા.
કેટલાક સંબંધો હોય છે- અત્તર જેવા
દૂરથી જ મઘમઘતા હોય.
કેટલાક સંબંધો મનના ખૂણામાં સંતાડી રાખવાના,
બીજા કોઈ જોઈ ન જાય, જાણી ન જાય.
કેટલાક સંબંધો હોય છે- મણ મણના બોજ જેવા,
એને ટાળી શકાતા નથી.
કેટલાક સંબંધો બસ તોડી જ નાખવાના
ક્યારેય યાદ નહિ કરવાના,
પાટી પરના અક્ષરની જેમ-
કાયમના ભૂંસી નાખવાના.
-ઉર્વશી પારેખ

શુક્રવાર, 26 નવેમ્બર, 2010

વૃક્ષ

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

- ધૂની માંડલિયા

રવિવાર, 21 નવેમ્બર, 2010

યુવાન જ છે !

ભવિષ્યનો જ વિચાર કરનાર
ગમે તે ઉંમરનો હોય,
એ બાળક જ છે !

ભૂતકાળની જ સ્મૃતિઓ
વાગોળ્યા કરનારો ગમે તે ઉંમરનો હોય
એ વૃદ્ધ જ છે !

વર્તમાનકાળમાં જ જીવતો હોય,
એ કોઈપણ ઉંમરનો હોય,
યુવાન જ છે !
-મુનિ રત્નસુંદર વિજયજી

મંગળવાર, 2 નવેમ્બર, 2010

નૂતન વર્ષે પ્રાર્થના


હે પ્રભુ ! તમને કરું હું, નૂતન વર્ષે કોટિ કોટિ વંદન,
તમને પ્રાર્થુ હું, વીતે મારું શેષ જીવન બની ચંદન.

લોકાર્થે ઘસાઉં છું, જેમ સંત તુલસીદાસ ઘસે ચંદન,
ઘસાઇને ચઢું છું, પ્રભુ શિરે બની તિલક જેમ ચંદન.

ભલે કાપે મને દુશ્મનો કુહાડી બની, જાણી વૃક્ષ ચંદન,
તેમને અર્પુ હું સદા મારી હાસ્યસુગંધ બની ચંદન.

હાસ્યસુગંધથી કરું હું, દુ:ખીઓનું સુગંધિત મન ચંદન,
હાસ્યસેવા એજ પ્રભુસેવા કરી, બનું પ્રભુપ્રિય ચંદન.

ખરું પૂછો તો ‘બિંદાસ’માં જ નથી, કોઇપણ જાતના ચંદન,
છતાં કહે છે સૌને, ‘‘નૂતનવર્ષાભિનંદન’’ સહિત વંદન.
- જયકુમાર દમણિયા

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2010

વેણ- લઘુકથા

ભદ્રાબહેન પતિ સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.પચાસ વર્ષનું એમનું દામ્પત્યજીવન. આટલા લાંબા ગાળા દરમિયાન પતિના કોઈ કથન કે વર્તન ઉપર એમને આટલું આશ્ચર્ય નહોતું થયું. રઘુનાથ બોલ્યા હતા : ‘ચાર ધામની યાત્રા માટે તૈયારી કરવા માંડો, યાત્રા રેલવેના ફર્સ્ટ કલાસમાં જ કરીશું, ક્યાંક ટૅક્સી. ઊતરવાનું સારી હૉટલમાં, સેવા-ચાકરી માટે મકનાને સાથે લઈશું.’ થોડી ક્ષણો માટે તો ભદ્રાબહેનને પતિ વ્યંગમાં બોલતા હોય એવું જણાયું. પોતે દિવસનો મોટો ભાગ દેવદર્શન અને કથા-વાર્તામાં ગાળતાં હતાં એટલે એમણે કદાચ આમ કહ્યું હોય.વ્યંગનો જવાબ આપતાં હોય એવા સૂરમાં ભદ્રાબહેન બોલ્યાં : ‘હવે તો જાત્રાએ જઈશું આવતે ભવ.’રઘુનાથ ગંભીરતાપૂર્વક બોલ્યા : ‘આપણા માટે હજુ કંઈ ઉંબરા ડુંગરા નથી થયા. રેલવેનાં રિઝર્વેશન મેળવી લીધાં છે. તમતમારે તૈયારી કરવા માંડો. પહેલી તારીખે નીકળવાનું છે.’
અને નિર્ધારિત દિવસે યાત્રા શરૂ પણ થઈ.હજુ ય ભદ્રાબહેનનો વિસ્મય શમતો નહોતો. કદીયે મંદિરમાં ન જતા કે પૂજાપાઠથી હંમેશાં દૂર રહેતા રઘુનાથ આટલી લાંબી યાત્રા માટે આમ એકાએક તૈયાર શી રીતે થયા ? મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન એક પળે તો ભદ્રાબહેને પતિને પૂછી જ નાખ્યો :‘હેં ભલા, તમે ઘર આંગણામાં કોઈ મંદિરને પગથિયે તો કદી ચડ્યા નથી અને આમ કાશી-મથુરા કરવાનું મન કેમ થયું ?’રઘુનાથે ઉડાઉ જવાબ આપ્યો : ‘ભાગ્યમાં યાત્રા નિર્મિત થઈ હશે એટલે નીકળવાનું સૂઝ્યું, બીજું શું ?’ અને એ બારી-બહાર તાકી રહ્યા હતા.
રઘુનાથના મનમાં કશુંક ઘોળાતું હતું. થોડા કિલોમિટર પસાર થયા. એ પછી કોઈ સહજ વાત કરતા હોય એમ બોલ્યા : ‘માણસે અણુનું વિભાજન કરીને અપાર શક્તિ પેદા કરી.’‘કાળા માથાનો માનવી શું નથી કરી શકતો ?’ ભદ્રાબહેને સૂર પૂરાવ્યો.‘ઈચ્છે તો અણુભઠ્ઠીઓ ઊભી કરીને એમાંથી અઢળક વીજળી મેળવી શકે અને ઈચ્છે તો એમાંથી બૉમ્બ બનાવીને એક ક્ષણમાં એક લાખ માણસોનો ખાત્મો બોલાવી શકે.’ રઘુનાથે થોડી ક્ષણો સુધી મૌન ધારણ કર્યું. પછી એ બોલ્યા : ‘માનવીના વેણનું પણ એવું જ હોં, ભદ્રા !’ ભદ્રાબહેન રઘુનાથ સામે જોઈ રહ્યાં. એમને લાગ્યું કે પતિના હૈયામાં કશુંક વલોવાઈ રહ્યું છે, પણ કહેતા નથી.રઘુનાથે આગળ ચલાવ્યું : ‘માનવીનું વેણ ક્યારેક તો ભર્યો દારૂગોળો. ઈચ્છીએ તો એનાથી ભડકો કરીને ઘર બાળી દઈ શકીએ અને ઈચ્છીએ તો એને આતશબાજીમાં ફેરવીને આકાશને રંગોથી ભરી દઈ શકીએ.’
રઘુનાથે પુત્રવધૂના વેણને દારૂગોળો બનાવીને ઘરની શાંતિને તારાજ ન કરી; એમણે તો એમાંથી આતશબાજી રચીને ચિત્તના આકાશને રંગોથી ભરી દેવા પ્રયત્ન કર્યો હતો. એક દિવસ પુત્ર શ્રવણ બનીને એની માને જાત્રા કરાવશે એવી રાહ જોઈને બેઠેલા રઘુનાથને પુત્રવધૂએ સંભળાવી દીધું હતું : ‘બાપુજી, બાને જાત્રાએ જવું હોય તો તમે જ લઈ જાવને, સમીર પાસે એવો ફાલતુ સમય પણ ક્યાં છે ?’
પુત્રવધૂનું આ વેણ ભદ્રાને કાને કદી ન પડે, એની કાળજી રઘુનાથ રાખી રહ્યા હતા.

મોહનલાલ પટેલ
[કુલ પાન : 228. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ-1]

ગુરુવાર, 7 ઑક્ટોબર, 2010

મને ટીવી બનાવી દો !

એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું :‘ચાલો બાળકો, આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે : જો ભગવાન તમને કાંઈ માંગવાનું કહે તો તેમની પાસે તમે શું માંગશો ?’ બાળકોએ ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઈ ગયા.
સાંજે જ્યારે તેઓ નિબંધો તપાસી રહ્યા હતા, ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યાં. તેમણે જોયું તો તેમનાં પત્ની રડી રહ્યાં હતાં. તેમણે પૂછ્યું : ‘કેમ શું થયું ? કેમ રડો છો ?’શિક્ષિકાબેને કહ્યું, ‘હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું.’ તેમના પતિને એક કાગળ આપતાં તેમણે ઉમેર્યું, ‘આ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ….’તેમના પતિએ નિબંધ વાંચવાનું શરૂ કર્યું. તેમાં બાળકે લખ્યું હતું કે :‘હે ઈશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટી.વી. બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું કે જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું ધ્યાન હું મારા તરફ જ ખેંચી શકું. તેઓ કોઈ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઈ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં, હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. મારી સાથે રહેવા માટે મારા ભાઈબહેનો લડાલડી કરે. હું એવું અનુભવવા માગું છું કે બધી જ વસ્તુઓ એકબાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. છેલ્લે, મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું. હે ભગવાન, હું બીજું કાંઈ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને જલ્દીથી ટી.વી. બનાવી દો.’
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા : ‘હે ભગવાન ! બિચારું બાળક…કેવા ભયાનક માતા-પિતા છે !’શિક્ષિકાએ ચોધાર આંસુ સારતાં પોતાનાં પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ‘આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે…’
(એક પ્રચલિત ઈ-મેઈલ પરથી અનુવાદીત કરેલ કૃતિ સૌજન્ય- www.readgujarati.com)
અનુ. રાજેશ્વરી શુક્લ

બુધવાર, 29 સપ્ટેમ્બર, 2010

હોત તો…!

સાચી ચોક્કસ સોળ આની હોત તો…!
મેં તમારી વાત માની હોત તો…!
મિત્રતાનું મૂલ્ય સમજાશે પછી,
એક દુશ્મન કોઈ જાની હોત તો…!
ઓરડે વાત્સલ્ય મ્હેકી ઊઠતે,
ભીંત પર તસવીર બાની હોત તો…!
આમ સૌને જાણ થઈ ગઈ છે જુઓ,
લાગણી હૈયે જો છાની હોત તો…!
માગવાનો ભીખ પણ ક્યાં પ્રશ્ન છે ?
ખૂબ મોટો હું જ દાની હોત તો…!
ક્યાં ગઝલ કહેવાની પરવા હો મને ?
આ સફર ક્ષણની સુહાની હોત તો…!

નક્કી તમને ઓળખી શકતે ‘ દિલીપ ‘
જો ન ચહેરા પર બુકાની હોત તો…!
-ડૉ દિલીપ મોદી

ગુરુવાર, 23 સપ્ટેમ્બર, 2010

થોડા વીણેલા શેર

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.
-ગૌરાંગ ઠાકર

*
ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
- દિવ્યા મોદી

*
સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.
- ડેનિશ જરીવાલા

ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2010

ઊંઘ

છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન હું કદી પાંચ કલાકથી વધારે ઊંઘી નથી. અમારાં લગ્ન થયાં ત્યારે અમારો પાળેલો આઈરિશ વુલ્ફહાઉન્ડ કૂતરો, જે કદમાં ગધેડા કરતાં થોડોક જ નાનો હોય છે તે સાથે આવીને સૂઈ જતો. મારા પતિના મૃત્યુ પછી અમારાં ત્રણ કૂતરાં મારા પલંગમાં સૂવા આવ્યાં છે. એમને થોડા કલાકો પછી ઊઠીને થોડું ફરવા જોઈએ. તેમની હલનચલનથી, ઊંઘમાં સ્વપ્ન જોતાં તેઓ પગ હલાવે તેનાથી જાગીને હું ઘણી વાર પથારીના એક ખૂણે ચાલી ગઈ હોઉં છું ને ફરી આરામથી સૂઈ જાઉં છું. હમણાં મને એક નવી ટેવ પડી છે. સૂવા માટે મારે અવાજ જોઈએ છે, તેથી મારું ટીવી આખી રાત ચાલતું રહે છે.
સૂવાની આવી વિચિત્ર ટેવ ફક્ત મને છે ? આપણે મનુષ્યજાતિના છીએ. આપણને 8 કલાકની ઊંઘ જોઈએ છે. પ્રાણીઓની તંદુરસ્તી માટે પણ ઊંઘ જરૂરી છે. તેમની ઊંઘની આદતો વિશે જાણીએ. સસ્તન પ્રાણીઓમાં જિરાફને સૌથી ઓછી 1.9 કલાકની ઊંઘ જોઈએ છે. તે એકસાથે પાંચ મિનિટથી વધારે ઊંઘતું નથી. બીજી તરફ કથ્થાઈ રંગનું ચામાચીડિયું (બ્રાઉન બેટ) દિવસના 19 કલાક ઊંઘે છે. (મારા કૂતરાની જેમ, તેઓ ફક્ત ખાવા, રમવા, લડવા અને અજાણ્યાઓનો પ્રેમ આકર્ષિત કરવા પૂરતાં જ જાગે છે !)
એશિયાનો હાથી 3.1 કલાક સૂએ છે, હરણ પણ. ગધેડો 4 કલાક, ચિમ્પાન્ઝી 11 કલાક, ખિસકોલી અને પાળેલી બિલાડી 12.5 કલાક અને સિંહ એકાદ કલાકથી વધારે સૂએ છે. કૂતરાને 13 કલાકની ઊંઘ જોઈએ. કૂતરાંને સૂતાં પહેલાં ચક્કર મારવાની ટેવ હોય છે. જંગલમાં તેઓ લાંબા ઘાસ કે બીજી વનસ્પતિને ખેંચી લાવી પથારી જેવું બનાવે છે. તેઓ ગાઢ નિદ્રામાં છે તેની ખબર તેમનાં પોપચાં પરથી, મૂછોના ભાગના સ્નાયુના અને પગના હલનચલન પરથી પડે છે. સામાન્ય બિલાડી 13થી 16 કલાકની ઊંઘ ખેંચે છે. આટલી લાંબી ઊંઘ લેવા છતાં તે કદી આખી રાત એકીસાથે સૂતી નથી, કેમ કે એ સમયે તેને શિકાર પણ શોધવાનો હોય છે. ચામાચીડિયાં ઊંઘા લટકે છે અને એ જ મુદ્રામાં ઊંઘે છે, તેઓ ઊંધાં એટલા માટે લટકે છે કે તેમની પાંખો નબળી હોવાથી તેઓ જમીન પરથી સીધા આકાશમાં ઊડી શકતાં નથી. લટકવાની મુદ્રામાંથી ઊડવું સહેલું પડે છે. તેમના પગના આંકડાવાળા નહોર એકબીજા સાથે ‘લૉક’ થઈ જાય છે, તેથી લટકવું તેમને માટે સુગમ છે.
બબૂન વાનરો ઝાડ પર સૂએ છે. આને લીધે ઊંઘમાં પણ તેઓ આક્રમકોથી સાવધ રહી શકે છે. ‘હેઝલ ડોરમાઉસ’ જાતિના ઉંદર ઝાડની પાતળી ડાળીને વળગીને સૂએ છે. ડાળીનું આકસ્મિક હલનચલન તેમને જોખમથી સાવચેત કરે છે. ચિત્તો પણ ઝાડ પર સૂએ છે. ગાય અને ઘોડા ઊભાં-ઊભાં ઊંઘે છે ને ઘણી વાર તો આંખ પણ ખુલ્લી રાખી ઊંઘી જાય છે. ઘણાં પક્ષીઓ પણ ઊભાં ઊભાં ઊંઘે છે કે પછી સળિયો કે ડાળ પકડીને સૂઈ જાય છે. ‘ફિઝન્ટ’ કે ‘પાર્ટ્રિજ’ જેવાં પક્ષીઓ જમીન પર સૂએ છે. ‘વૉટર ફાઉલ’ તરતાં તરતાં ઊંઘ ખેંચી લે છે. પોપટની અમુક જાત ઊંઘતી વખતે ઊંધી થઈ લટકે છે. ડૉલ્ફિન અને બીજા અમુક વિશાળકાય દરિયાઈ સસ્તન પ્રાણીઓ એક આંખ ખુલ્લી રાખી ઊંઘે છે તે વખતે તેમના મગજનો અડધો ભાગ જાગૃત હોય છે, જેથી શ્વસનક્રિયા ચાલુ રહે અને આક્રમણખોરો પર નજર રહે. ડોલ્ફિન તેની ઓછી ઊંઘ માટે જાણીતી છે. તેનું બચ્ચું જન્મે ત્યાર પછીના થોડા મહિના મા અને બચ્ચું ઊંઘતા જ નથી ! બતક જેવાં પક્ષીઓ પણ એક આંખ ખુલ્લી રાખીને અને અડધું મગજ જાગૃત રાખીને સૂએ છે. ‘માલાર્ડ’ લાઈનમાં સૂએ છે. છેડે રહેલા ‘માલાર્ડ’ સંત્રીનું કામ કરે છે જેથી વચ્ચે સૂતેલાં આરામથી ઊંઘી શકે. ‘સ્વાઈનશન્સ થ્રશ’ દિવસ દરમિયાન સેંકડો નાનાં ઝોકાં ખાય છે. યાયાવર પક્ષીઓ પોતાના ઉડ્ડયન દરમિયાન થોડી સેકન્ડો માટે ઊંઘી લે છે. ‘આલ્બેટ્રોસ’ પક્ષીઓ કલાકના 25 માઈલની ઝડપે ઊડતાં ઊડતાં પણ આવાં મીની ઝોકાં ખાઈ લે છે. (દારૂ પીધેલા પુરુષો પણ આવો પ્રયોગ ડ્રાઈવિંગ દરમિયાન કરે છે અને મોટે ભાગે નિષ્ફળ જાય છે !)
દરિયાઈ ઘોડો ઊંઘતાં ઊંઘતાં તરી શકે છે. તે પાણીની નીચે કે સપાટી પર ગમે ત્યાં ઊંઘી શકે છે. તે પાંચ મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે, એ દરમિયાન એક ઝોકું ખાઈ લે છે. તેનાથી વધારે વાર ઊંઘવું હોય તો તે પોતાના શરીરમાં રહેલી ખાલી જગ્યાઓ (ફેરિંગલ્સ) હવાથી ભરી દે છે. તેના શરીરમાં 13 ગૅલન જેટલી હવા સમાય છે. તેનાથી તે લાઈફ જેકેટ જેવા હળવા બની, હવામાં નાક ઊંચું રાખી પાણીના તરંગો પર તરતા રહે છે અને ઊંઘતા રહે છે. હજુ વધારે સૂવું હોય તો તે પોતાના લાંબા દાંત બરફની શિલામાં ભરાવી દે છે કે પછી જમીન પર સૂવા ચાલ્યા જાય છે અને એકસાથે ઓગણીસ કલાક ઊંઘી જાય છે. તેને રોજરોજ સૂવા જોઈતું નથી હોતું અને તેઓ સતત ત્રણ દિવસ સુધી તરતા રહી શકે છે. હિપોપોટેમસ પણ પાણીમાં ઊંઘી શકે છે.
હવામાન બદલાય અને ખોરાકની સુલભતા ઓછી થાય ત્યારે શક્તિ બચાવવા ઘણાં પ્રાણીઓ લાંબી ઊંઘ ખેંચે છે. તેને માટે શિયાળામાં ‘હાઈબરનેશન’ નિષ્ક્રિયતા અને ઉનાળામાં ‘એસ્ટિવેશન’ એ શબ્દો વપરાય છે. ‘ડોરમાઉસ’ની નિષ્ક્રિયતા હાઈબરનેશન છ મહિના જેટલી હોય છે. જો શિયાળો લાંબો કે આકરો હોય તો આ અવધિ હજી લંબાય છે. સરકતાં પ્રાણીઓ પાનખરમાં નિષ્ક્રિય બને છે, પણ એ દરમિયાન તેઓ જાગી પાણી પી પાછાં સૂઈ જાય એવું ઘણી બધી વાર કરે છે. દેડકાં તળાવોના તળિયે કે બરફની સપાટીની નીચે આખો શિયાળો નિષ્ક્રિય બને છે. દેડકાંના શરીરમાં અમુક પ્રાકૃતિક ‘એન્ટિફ્રીઝ’ ક્રેઝ રસાયણો બનતાં હોય છે. ‘પુરવિલ’ નામનું પક્ષી અજબ રીતે નિષ્ક્રિય થાય છે. મહિનાઓ લાંબી નિષ્ક્રિયતા દરમિયાન તે પથ્થરો વચ્ચે પોતાને પૂરી દે છે. જાડી પૂછડીવાળું નાનું લેમર સતત સાત મહિના ઊંઘે છે.
ઘણા પ્રાણીઓ બગાસાં ખાય છે, પણ એ બગાસાં ઊંઘનાં જ હોય તેવું જરૂરી નથી. કૂતરું બગાસું ખાઈને પોતાનો પ્રેમ બતાવે છે. સિયામિઝ લડાકુ માછલી બીજી લડાકુ માછલીને જુએ ત્યારે બગાસું ખાય છે અને પછી આક્રમણ કરે છે. તે પોતાનું પ્રતિબિંબ જુએ તો પણ બગાસું ખાય છે. પેંગ્વિન સંવનન દરમિયાન બગાસું ખાય છે. સર્પ જમ્યા પછી જડબાંને આરામદાયક સ્થિતિમાં લાવવા માટે બગાસું ખાય છે.
બધાં પ્રાણીઓ ઊંઘે છે. આપણે શા માટે ઊંઘીએ છીએ તેનો અભ્યાસ 40 વર્ષ પહેલાં શરૂ થયો. એ અભ્યાસ મુજબ પ્રાણીઓ કેટલું ઊંઘે છે તેના પરથી તેઓ શિકાર છે કે શિકારી તે સમજાય છે. શિકાર હોય તે ઓછું સૂવાની ટેવ ધરાવતાં હોય છે, કારણ ઊંઘ તેમની સલામતીની દુશ્મન હોય છે. નાનાં સસ્તન પ્રાણીઓને મોટાં પ્રાણીઓ કરતાં વધુ ઊંઘ જોઈએ છે, કેમ કે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ શક્તિનો સંચય ઓછો કરી શકે છે. છતાં એક હકીકત બધાં જ પ્રાણીઓને લાગુ પડે છે કે ઊંઘ શરીરની શક્તિનું સંવર્ધન કરે છે. તેનાથી શરીરના કોષોને રિપૅર થવાનો સમય મળે છે. મગજને આરામ મળવાથી સ્મૃતિ અને સંકલનની શક્તિ વધે છે.

મેનકા ગાંધી

[‘જન્મભૂમિ’ અખબારમાંથી સાભાર. આપ લેખિકાનો (નવી દિલ્હી) આ સરનામે gandhim@parlis.nic.in પર સંપર્ક કરી શકો છો.] www.readgujarati.com ના સૌજન્યથી

ગુરુવાર, 26 ઑગસ્ટ, 2010

તે ઑર વાત છે.

ચોપડામાં લાખ હો તે ઑર વાત છે,
રોકડા જે હાથ હો તે ઑર વાત છે.

આબરૂને નામ ઉધારી ઘણી કરી,
રૂદિયે ઉચાટ હો તે ઑર વાત છે.

સામસામે બંદુકો તાકી ઉભા હતા,
સરહદે જોડાણ હો તે ઑર વાત છે.

કેટલાં ખાનાં બનાવી જિંદગી જીવ્યા,
રેણ હો સંધાણ હો તે ઑર વાત છે.

મેં કહી ને તેં કહી તે વાત એક છે,
તો ય અફવા ચાર હો તે ઑર વાત છે.

કેટલા તૉડ્યા કિનારા ક્યાંક ખુદ ઝુક્યા,
જિંદગી પ્રવાહ હો તે ઑર વાત છે.

એક તક આવી કહે ચાલો સુખી કરું,
આખરી પ્રસ્તાવ હો તે ઑર વાત છે.

રાહમાં ચાલ્યા જતાં સામે જુએ બધા,
‘કીર્તિ’ સાથોસાથ હો તે ઑર વાત છે.
-કીર્તિકાન્ત પુરોહિત

બુધવાર, 28 જુલાઈ, 2010

સુભાષિત

लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम ।दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम ।।
જેમ બિલાડી દૂધને જુએ છે; પરંતુ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે, પરંતુ આપત્તિને જોતો નથી.
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।अस्पृशन्नेव वित्तानि य: परेभ्य: प्रयच्छति ।।
કંજૂસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહિ; કારણ કે તે પોતાનું બધું ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.
‘સુભાષિત રત્નાવલી’ ગ્રંથમાંથી

બુધવાર, 21 જુલાઈ, 2010

તું બડબડ ન કર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.
બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.
હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.
પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.
કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.
ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
-રઈશ મનીઆર

શનિવાર, 3 જુલાઈ, 2010

ટિપ્સ

હેલ્થ ટિપ્સ
* ગુમડા પર મસુરની દાળ વાટીને લગાવવાથી ગુમડું ફુટી જાય છે. અને મટી પણ જાય છે.

* બાળકને તાવ અને શરદી રહેતા હોય તો એક ચમચી તુલસીનો રસ અને મધ ભેળવીને રોજ સવાર – સાંજ આપો.
* માથામાં મેલ વધારે થઇ ગયો હોય તો થોડા દિવસ છાશથી માથુ ધોવાથી મેલ નીકળી જશે.
* દુધીના ગરની પોટલી બનાવીને માથે મુકવાથી માથાની ગરમી દુર થાય છે
* લવિંગ અને તુલસીવાળી ચા બનાવીને પીવાથી કાકડાનો સોજો દુર થાય છે.
* કોબીજના પાંદડાનો રસ કાઢી ખરજવા પર લગાવવાથી રાહત થશે.
* સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે સાંધા પર નિયમિત લીબુંનો રસ લગાવો.
* છાશમાં મીઠું અને જીરું નાંખીને પીવાથી શરીરમાં થતી બળતરા શાંત થાય છે.
* ગરમ પાણીની કોથળીમાં ગરમ પાણી ભરતા પહેલાં પાણીમાં થોડું મીઠું નાંખવાથી લાંબા સમય સુધી ગરમ રહેશે.


બ્યુટિ ટિપ્સ
* ગુલાબની પાંદડીઓ વાટીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી બને છે.

* કારેલાની છાલને છીણી ચહેરા પર ઘસવાથી સ્ક્રબનું કાર્ય કરશે. નિયમિત આ ઉપચાર કરવાથી ચહેરા પરથી બ્લેકહેડ્ઝ તથા ખીલ દુર થશે.
* નેલપોલિશ લગવવાથી નખ પીળા ન થઇ જાય તે માટે પહેલાં ટ્રાન્સપરન્ટ કે બેઝ કોટ લગાવો.
* મેંદીનો રંગ ઘેરો આવે તે માટે મેંદી પલાળતી વખતે તેમાં આંબલીનું પાણી અને દસ –બાર લવિંગ વાટીને ભેળવી દો.

શુક્રવાર, 18 જૂન, 2010

બાઝી પડ્યો રે વરસાદ

લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ…
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્માદ …
MUKESH JOSHI

મંગળવાર, 8 જૂન, 2010

સૂરતનો એવો વરસાદ

મારા માતૃશ્રી પુષ્પાબેન મફતભાઇ ઠક્કરનું તા-21/5/10 ના રોજ અવસાન થયું હોવાથી એક માસથી નવી પોસ્ટ મૂકી શક્યો નથી. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે આજની નવી પોસ્ટ સાદર.....

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…
નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…
- નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? સૌજન્ય- http://layastaro.com