ગુરુવાર, 12 માર્ચ, 2009

સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

શેખાદમ આબુવાલા

શુક્રવાર, 6 માર્ચ, 2009

GAZAL



હું જીવી ગયો !

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,

તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,

તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?

એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

khalil dhantejvi

બુધવાર, 4 માર્ચ, 2009

maa

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

મેહુલ

સોમવાર, 2 માર્ચ, 2009

Vangi

સૂરણનો સૂપ
સામગ્રી :250 ગ્રામ તાજા સૂરણ,250 ગ્રામ તાજું દહીં,1 ચમચી મીઠું,અડધી ચમચી ગરમ મસાલો,થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.
રીત :સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો મસાલો નાખી કાચા પૌંઆ ભભરાવી નવશેકા સૂપ પીરસો. શિયાળામાં આ સૂપ શરદીમાં રાહત આપે છે.
SANKALIT

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009

Shayri & Joke

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

*****
રીમા (રીનાને) : લગ્નજીવનનાં 15 વર્ષમાં પ્રથમ વાર મારા પતિએ મારી સુંદરતાના વખાણ કર્યા.

રીના : શું કહ્યું એમણે ?
રીમા : એમણે કહ્યું મૂર્ખ પતિઓને જ હંમેશાં સુંદર પત્ની મળે છે !

શનિવાર, 21 ફેબ્રુઆરી, 2009

સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અરદેશર ફ. ખબરદાર
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

GAZAL


નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

અદમ ટંકારવી

બુધવાર, 18 ફેબ્રુઆરી, 2009

Boliwood news

ફિલ્મી દુનિયા

* ફીક્કીના સમારંભમાં કરીના ક્પુરે અમિતાભ સામે જોયું પણ નહિ. કરિશ્માની સગાઇ તુટી ગયાનો હ્જુ રંજ છે?

* શિલ્પા શેટ્ટી હવે સલમાનના કેમ્પમાં ? શાહરુખની ખભાની સર્જરી વિશે પુછાતા બીજી વાત કરવા કહ્યું.

* શાહરુખની ખબર પુછવા જૈને અમિતાભે મોટાઇ બતાવી.

સ્વાગત

રાકેશ દ્વારા
સૌ મિત્રોનું સ્વાગત છે.
મારા બે પુસ્તકો પ્રગટ થયેલ છે.
1. હોમટિપ્સ - જેમાં છે વિવિધ પ્રકારની ટિપ્સ
2. મનના સવાલ વિગ્નાનના જવાબ. - જેમાં છે 101 સવાલના જવાબ.
પુસ્તક મેળવવાનું સરનામું
પાટિલ બુક સ્ટોલ,
હોટલ અમિરસની બાજુમાં,
ગુંજન, જી.આઇ.ડી.સી. વાપી. જિલ્લો- વલસાડ.
ગુજરાત.