મંગળવાર, 12 મે, 2009

www.readgujarati.com
વાંચો સુરતથી પ્રગટ થતા 'ગુજરાતમિત્ર' અખબારમાં રાકેશ ઠક્કરની કોલમો.
દર બુધવારે 'ફિલ્મ ટી.વી.'
અને
રવિવારે 'ફિલ્મોગ્રાફ'.

શુક્રવાર, 24 એપ્રિલ, 2009

home tips

હોમટિપ્સ
જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાઉડર નાખીને એક ચમચી પીવો.
***
કપૂરનું તેલ ફર્નિચરના ખૂણાઓ પર લગાવવાથી માંકડ અને વાંદા થતા નથી.
***
કપડા પર પરસેવાના ડાઘ પડ્યા હોય તો નવસારવાળા પાણીમાં કપડા બોળવાથી ડાઘ દૂર થાય છે.
*****
- રાકેશ ઠક્કરના પ્રથમ પુસ્તક ‘હોમટિપ્સ’ માંથી
E mail- rmtvapi@yahoo.co.in

ગુરુવાર, 23 એપ્રિલ, 2009

sawal jawab

સવાલ- ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી કેમ લાગે છે?
જવાબ-
કોઇ પણ વસ્તુને પોતાનો સ્વાદ હોતો નથી. વિવિધ જાતના સ્વાદ પારખવા માટે જીભ પર વિવિધ પ્રકારની સ્વાદગ્રંથીઓ છે. મીઠાઇ ખાઇએ એટલે તેના કણો મીઠો સ્વાદ પારખતી ગ્રંથીમાં પ્રવેશે છે. એટલે ત્યાંના સ્વાદકોષો તેમને ઓળખી કાઢે છે. બીજી જ પળે તેઓ મગજને એ સ્વાદનો સંદેશ રવાના કરે છે. કેમ કે મીઠો, ખાટો કે કડવો એમ દરેક સ્વાદ પારખવાનું કામ તો છેવટે મગજનું છે. હવે એ જાણી લો કે વધુ પડતા મીઠા સ્વાદને કારણે જીભના જ્ઞાનકોષો એક વાર મહત્તમ હદે ઉત્તેજીત થાય છે. એટલે પછી તેના કરતાં ઓછો મીઠો સ્વાદ તેમને જલદી ઉત્તેજીત કરી શકતો નથી. તેથી મીઠાઇ કે કોઇ ગળી વસ્તુ ખાધા પછી ચાનો ઘૂંટડો મોંમાં જાય ત્યારે તેની થોડીક ઓછી મીઠાશને સ્વાદકોષો ધ્યાન પર લેતાં નથી. પરિણામે ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી લાગે છે.
- રાકેશ ઠક્કરના નવા પુસ્તક ‘મનના સવાલ વિજ્ઞાનના જવાબ’ માંથી

સોમવાર, 20 એપ્રિલ, 2009

gujarati gazal

ગુજરાતી ગઝલના શેર

જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઇ જુઓ,
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઇ જુઓ


હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની,
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઇ જુઓ

****
ભેદ જાણી મૃત્યુનો શું કરશું સુધીર?,
ક્યાં હજી જાણી શક્યો છું આ હયાતી!

*****
કહો દરિયાને કે એ ગર્વ છોડી શાંત થઇ બેસે,
પી લેશું એક ઘૂંટે, કાં તરસ મારી જગાડે છે.

- સુધીર પટેલ

બુધવાર, 8 એપ્રિલ, 2009

શનિવાર, 4 એપ્રિલ, 2009

gazal ઉનાળો

કહે છે, ઉનાળો તો આંસુઓ સારેને કારણ પૂછું છું તો કપડાં નિતારે.
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાંએ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છુંકે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણી વાર એમ જ ગગનમાં જઉં છુંમને ચાંદ પોતાના ઘરમાં ઉતારે
હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળુંભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છેએ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડોઅમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
Manhar modi

સોમવાર, 30 માર્ચ, 2009

ગુરુવાર, 26 માર્ચ, 2009

krishna



તું કૃષ્ણ નામ બોલ,
ન બીજું કશું બોલ,
કૃષ્ણ નામ અમોલ.


તું કૃષ્ણ નામ જપ,
ન કર બીજી ગપ,
કૃષ્ણ નામ છે તપ.

કૃષ્ણ નામ છે સદ.
તું કૃષ્ણ નામ વદ,
ન બોલ અસદ,
તું કૃષ્ણ નામ ભણ,
ન બીજું ગણગણ,
કૃષ્ણ નામ છે શરણ
.

તું કૃષ્ણ નામ લખ,
ન બીજું નામ લખ,
કૃષ્ણ નામ અલખ
.

*તરુલતા પટેલ

બુધવાર, 25 માર્ચ, 2009

કુદરત

કયાં સુધી કરીશું વિકાસના નામે વિનાશ?

કયાં ગઇ આપણી કુદરત પ્રત્યેની કુમાશ?

કયાંથી થશે જંગલ વિના મંગલ આપણું?

ખુદનું ઘર બાળીને શાને કરો છો તાપણું?

- અનામી

geet kavita

આપણે તો એટલામાં રાજી

આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે

ક્યાંક એક કૂંપળ તો તાજી

આપણે તો એટલામાં રાજી
એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,

તો થાય, મળ્યું આખું આકાશ

એકાદું ગીત કોઈ મોસમનું ગાય

તો ય રોમ રોમ ઊણી પલાશ

એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે

ત્યાં રણઝણતી ઝાલરી વાગી

આપણે તો એટલામાં રાજી
પાણીની એકાદી છાલકમાં હોય કદી

રીમઝીમ રેલાતો મલ્હાર

છાતીમાં નાંગરેલ સપનામાં હોય

કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર

એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા

કોઈ પૂછે તો કહીએ કે હાજી

આપણે તો એટલામાં રાજી
RAMNIK SOMESHWAR

મંગળવાર, 24 માર્ચ, 2009

website gazal

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

શુક્રવાર, 20 માર્ચ, 2009

gujarati gazal

રકતમાં બોળી કલમ
અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
તારા મિલનની આશમાં ખરતો રહ્યો.
ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,

હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.
રાજી થયો પાનાં જીવનનાં ઓળખી,

હું દાવ જોકરનો સદા રમતો રહ્યો.
ક્યાંયે જુદી ભાસે દશા તો આપણી,

તું આમ બળતી હુંય તો બળતો રહ્યો.
જો હો વ્યથા કે કોઈની પણ હો કથા,

બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.
sunil shah

સુવિચાર

લોકો સાપથી ડરે છે, તેવી જ રીતે જૂઠ બોલનાર માણસથી પણ ડરે છે. સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનું મૂળ છે. – વાલ્મીકિ

ગુરુવાર, 12 માર્ચ, 2009

સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

શેખાદમ આબુવાલા

શુક્રવાર, 6 માર્ચ, 2009

GAZAL



હું જીવી ગયો !

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,

તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,

તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?

એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

khalil dhantejvi

બુધવાર, 4 માર્ચ, 2009

maa

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

મેહુલ

સોમવાર, 2 માર્ચ, 2009

Vangi

સૂરણનો સૂપ
સામગ્રી :250 ગ્રામ તાજા સૂરણ,250 ગ્રામ તાજું દહીં,1 ચમચી મીઠું,અડધી ચમચી ગરમ મસાલો,થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.
રીત :સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો મસાલો નાખી કાચા પૌંઆ ભભરાવી નવશેકા સૂપ પીરસો. શિયાળામાં આ સૂપ શરદીમાં રાહત આપે છે.
SANKALIT

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009

Shayri & Joke

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

*****
રીમા (રીનાને) : લગ્નજીવનનાં 15 વર્ષમાં પ્રથમ વાર મારા પતિએ મારી સુંદરતાના વખાણ કર્યા.

રીના : શું કહ્યું એમણે ?
રીમા : એમણે કહ્યું મૂર્ખ પતિઓને જ હંમેશાં સુંદર પત્ની મળે છે !

શનિવાર, 21 ફેબ્રુઆરી, 2009

સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અરદેશર ફ. ખબરદાર