બુધવાર, 12 ઑગસ્ટ, 2009

New Gazal

દિલ શું મુજ બે-ચાર છે?

પીઠ પાછળ કર્યો વાર છે,
માનજે ખાસ એ યાર છે.

કેમ મુકામ મળશે તને,
મન મહીં માત્ર વિચાર છે.

એમના લગ્નમાં હું નથી,
પ્રેમનો આ કથા સાર છે.

વાતને વાતમાં તોડતા,
દિલ શું મુજ બે-ચાર છે?

- રાકેશ ઠક્કર

આ ગઝલ www.gujaratikavita.com પર પણ વાંચી શકો છો.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

કડવી વાત

કોઇકે પૂછયું કે, કથાકાર કે પ્રવચનકારને ઉંચે કેમ બેસાડાય છે? રાત હોય અને વીજળી જતી રહે તો આપણે દીવો પ્રગટાવીએ છીએ, પછી તે દીવાને ઊંચી જગ્યાએ મૂકીએ છીએ. કેમ? કારણ કે તે દીવાનો પ્રકાશ બધી બાજુ ફેલાઇ શકે. કથાકાર હોય કે પ્રવચનકાર તેઓ સળગતા દીવા સમાન છે. તેઓ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ સમાજમાં ફેલાવે છે, જેથી માનવીનું મન જ્ઞાનની રોશનીમાં નહાય છે. આ જ કારણે આપણે તેમને ઊંચા બેસાડીએ છીએ. આખરે બુઝાયેલો દીવો બીજાને શું પ્રજ્જવલિત કરશે?
- તરુણસાગરજી

રવિવાર, 9 ઑગસ્ટ, 2009

Gazal

હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !

કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !

કોઇ ઉઘારી એ ચલાવે ન‍હી,
એ સમય છે, બઘું નગદ આપે !

ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !

કર સમર્પિત સ્‍વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ

શનિવાર, 1 ઑગસ્ટ, 2009

Freandship Day

કારકિર્દીમાં સારા મિત્રો ઘણા મદદરૃપ થઇ પડે છે. સારા મિત્રો કારકિર્દીમાં મોટો ફાળો ભજવતા હોય છે અને કારકિર્દીના ખરાબ દિવસોમાં પ્રોત્સાહન આપી હિંમત આપવાનું કામ કરતા હોય છે. સારા મિત્રો વ્યક્તિને ખરાબ રસ્તે જતી અટકાવે છે અને ખરાબ આદતોમાંથી મુક્ત કરાવવાનું પણ કામ કરે છે. મિત્રતા ટકાવવી એ ખૂબ જ કઠીન કામ છે કારણ કે કહેવાતા મિત્રો, વ્યવસાયમાં સ્વાર્થ માટે થયેલા મિત્રો અથવા સામાજિક મોભા માટે બનેલા મિત્રો લાંબા સમય ટકતા નથી.
મિત્રતા ટકાવવા માટે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખો
(૧) એક તરફી વ્યવહારથી દૂર રહો. એક તરફી સ્વાર્થી મિત્રતા ટકતી નથી. જ્યારે તમે તમારા મિત્ર પાસે આશા રાખો છો ત્યારે તમારા મિત્રો પણ તમારી પાસે તેવા જ વર્તન અને મદદની આશા રાખતા હોય છે. ઘણી વ્યક્તિઓ એક તરફી જ સારા વ્યવહારની આશા રાખે છે અને પોતે કશું કરવા તૈયાર નથી હોતા. આવા સમયે મિત્રતા ટકતી નથી.
(૨) તમારા સ્વાર્થ ખાતર, અભિમાન ખાતર મિત્રને બદનામ ના કરો. અમુક વ્યક્તિઓ પોતે પોતાના મિત્ર કરતાં વધારે સારા છે એવું પુરવાર કરવામાં મિત્રને બદનામ કરતા હોય છે. ખાસ કરીને બે યુવાનો વચ્ચે એક યુવતી મિત્ર બને અને એક યુવાનને એકતરફી પ્રેમ થઇ જાય ત્યારે તે ઘણી વખત તે યુવતીને પામવા માટે પોતાના જ મિત્રનું ખરાબ બોલે. આ સાચી મિત્રતા નથી. સ્વાર્થ અને દંભ ઉપર રચાયેલી મિત્રતા ટકતી નથી.
(૩) મિત્રમાં રસ લો પણ તેના જીવનમાં ડખલરૃપ ના બનો ઃ મિત્રમાં રસ લેવો તે અગત્યનો ગુણ છે પરંતુ ઘણીવખત આ રસ જ્યારે ડખલરૃપ બની જાય ત્યારે મિત્રતા ટકતી નથી. વ્યવસાયી મિત્રની ઓફીસમાં જાવ ત્યારે તેના કાર્યમાં રસ લો પરંતુ તેનું કાર્ય બગડે, તેનો સમય બગડે તે રીતે ના વર્તો. મિત્રની તકલીફમાં રસ લો પરંતુ તે તકલીફને દૂર કરવા તમારા જ વિચારો અથવા રીતો ઠોકી બેસાડવાનો પ્રયત્ન ના કરો. ''હું કહું તેમ જ તારે કરવાનું છે'' - આ જીદ મિત્રતા માટે ભારરૃપ બની જાય છે. મિત્રની કમાણી અને તેના ખર્ચાઓ વિષે પ્રશ્નો પૂછવાની આદત ખરાબ છે. તે સારું કમાતો હોય તો તેના માટે ખુશી જાહેર કરો પણ તે કેટલું કમાય છે, કેવી રીતે કમાય છે તે જાણવાની જિજ્ઞાાસાને કાબુમાં રાખો.
(૪) મિત્રને આડે રસ્તે જતો અટકાવો - મિત્રતા તોડી ના નાખશો ઃ દરેક વ્યક્તિનાં જીવનમાં એક ખરાબ તબક્કો આવી જતો હોય છે. તમારા મિત્રને ખરાબ આદત હોય તો તેમાંથી તેને મુક્ત કરાવવાનાં પગલાં લો પરંતુ તેની સાથેના સંબંધો કાપી ના નાખો. તે જ પ્રમાણે મિત્રનો ખરાબ સમય ચાલતો હોય અને તમે પ્રગતિ કરી રહ્યા હો ત્યારે મિત્રથી વિમુખ થશો નહીં.
(૫) મિત્રપત્ની અથવા સખીના પતિમાં વધારે રસ ના લો ઃ વહેમની કોઇ જ દવા નથી. વ્યક્તિ જ્યારે વહેમનો શિકાર બને છે ત્યારે નકારાત્મક વિચારો વધારે આવે છે. જ્યારે મિત્ર કરતાં તેના જીવનસાથીમાં વધારે રસ લેવામાં આવે અથવા તેનો પક્ષ વધારે પડતો લેવામાં આવે ત્યારે ગેરસમજ પેદા થઇ શકે છે. ઘણી વ્યક્તિઓ પોતાનું આ દુઃખ પ્રગટ કરી શકતા નથી અને પરિણામે તેઓ હતાશ રહે છે અને ઘણી વખત પોતાના જીવનસાથીને અન્યાય કરે છે. આ મિત્રતા માટે પણ ઘાતક પૂરવાર થાય છે.
(૬) મિત્રના સંપર્કમાં રહો ઃ આજના જમાનામાં વ્યવસાયને કારણે મિત્રોને ઘણા દૂર અથવા જુદા જુદા શહેરો કે દેશોમાં રહેવું પડતું હોય છે. ફોન-ઈ-મેઇલ અથવા પત્રો દ્વારા હંમેશ સંપર્ક રાખો. જ્યારે સંપર્ક રહેતો નથી ત્યારે મિત્રતામાં ઓટ આવી શકે છે અથવા હાજર રહેવાના પ્રસંગોએ હાજરી આપી શકાતી નથી.
(૭) મિત્ર સાથે પૈસાની બાબતમાં સ્પષ્ટ રહો ઃ હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની. આ વાત જીવનમાં યાદ રાખવી ખૂબ જરૃરી છે. મોટા ભાગના સંબંધો પૈસાને કારણે જ બગડતા હોય છે. બે સગા ભાઇઓ પૈસાને કારણે દૂર થઇ જતા હોય તો મિત્રતા પણ ક્યાંથી ટકે? માટે જ મિત્રો સાથે પૈસા માટે ગેરસમજ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.
(૮) મિત્રતામાં લાગણીઓનો ગેરલાભ ના લો ઃ ઘણી વ્યક્તિઓ પોતાના મિત્ર પાસે કામ કરાવી લેવા માટે લાગણીઓનો લાભ લેતા હોય છે. ઈમોશનલ બ્લેકમેઈલીંગથી કામ કઢાવી શકાય છે પરંતુ સંબંધોમાં અંતર પડી જાય છે તેનું ધ્યાન રાખવું જરૃરી છે. સંબંધો રબર-બેન્ડ જેવા છે. વધારે પડતી ખેંચવાથી રબર-બેન્ડ તૂટી જાય છે.
(૯) તમારા મિત્રનું માન જળવાય તેનું ધ્યાન રાખો ઃ તમારા સંતાનો દ્વારા, નાના યા મોટા કુટુંબીજનો અને કર્મચારીગણ દ્વારા તમારા મિત્રનું માન જળવાય તેની પૂરતી કાળજી લો.
(૧૦) મિત્રના કુટુંબ સાથે પણ પોતાના કુટુંબ જેવું વર્તન રાખો ઃ મિત્ર પોતાના કુટુંબમાં સુખી રહે તે પ્રમાણે પ્રયત્ન કરો. તેની ગેરહાજરીમાં તેના કુટુંબીજનોનો સંપર્ક રાખો અને મદદની જરૃર હોય તો તે માટે તૈયાર રહો. મિત્રના કુટુંબમાં કંકાસ હોય તો તેને દૂર કરવા પ્રમાણિકપણે પ્રયત્ન કરો. મિત્રતા કરવી સહેલી છે તેને જાળવી રાખવી અઘરી છે.- રોહિત પટેલ

બુધવાર, 22 જુલાઈ, 2009

શાંતિપ્રાપ્તિનો કીમિયો

બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.

મંગળવાર, 21 જુલાઈ, 2009

સોનેરી સુભાષિતો

સોનેરી સુભાષિતો
* સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ અને શત્રુ આટલાની ક્ષુદ્ર (સામાન્ય) ગણી કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી.
* વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.
* જે કાર્ય કરવાથી ભૂત, વર્તમાન ને ભવિષ્ય એ ત્રણ કાળે સ્થિર સુખ પ્રાપ્ત થાય, અર્થાત વધુ ઉદાર અર્થમાં મૃત્યુ પછી સ્વર્ગ મળે અને જીવતાં સ્થિર સુખ અને શુભકીર્તિ પ્રાપ્ત થાય એવાં જ કાર્યો કરવાની નાનપણથી ટેવ પાડવી.
* પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.
* આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

શુક્રવાર, 17 જુલાઈ, 2009

‘તારીખ અને તવારીખ’

વાંચો વાપીના રાકેશ ઠક્કરના બાળકાવ્યો, બાળવાર્તાઓ, જ્ઞાન-વિજ્ઞાનના લેખો.. પેટલાદથી પ્રગટ થતા વિજય ઠક્કરના સાપ્તાહિક ‘તારીખ અને તવારીખ’ માં..

આ સાપ્તાહિકનું વાર્ષિક લવાજમ રૂ.200 ભરો અને મેળવો રૂ.250 ના પુસ્તકો મફત.

Contact No. 94273 12159





બુધવાર, 8 જુલાઈ, 2009

ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો

ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો
એક શિષ્યે ગુરુને કહ્યું, ‘ગુરુજી, હું ક્રોધ પર કાબૂ નથી મેળવી શકતો. મને ગુસ્સો આવે ત્યારે એ મારા પર સવાર થઈ જાય છે. એનાથી છુટકારો મેળવવા શું કરું ? ગુરુએ કહ્યું :‘આ તો વિચિત્ર કહેવાય. મને ગુસ્સો કરી દેખાડ તો !’શિષ્યે કહ્યું : ‘આમ હમણાં ગુસ્સો ન આવે.’‘કેમ ?’‘ગુસ્સો તો અચાનક આવી જાય. કાંઈક મને ન ગમતું બને તો જ મારી કમાન છટકે.’‘તો પછી એનો અર્થ એ થયો કે ક્રોધ કરવો એ તારો ખરો સ્વભાવ નથી.’ ગુરુએ કહ્યું, ‘જો એ તારા સ્વભાવમાં જ હોત તો તું ગમે ત્યારે ગુસ્સો કરી દેખાડત. તારી અંદર જે નથી એને તું તારા પર સવાર કેમ થવા દે છે, જે વળી તારા જીવનની શાંતિ પણ હરી લે છે.’ આ સાંભળ્યા પછી શિષ્યને જ્યારે પણ ગુસ્સો આવતો ત્યારે એને ગુરુજીના આ શબ્દો યાદ આવી જતા અને આમ ધીમે ધીમે તે ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો. થોડા સમય પછી તો એ બિલકુલ ક્રોધરહિત અને શાંત થઈ ગયો.
બોધ : તમારા મૂળભૂત સ્વભાવને ઓળખો અને એ પ્રમાણે વર્તો.

મંગળવાર, 30 જૂન, 2009

ગઝલ

ગિરફતાર કરી લ્યો!

માણસ નથી, સુવ્વર છે; ગિરફતાર કરી લ્યો!
એ જીવતું દોજખ છે; ગિરફતાર કરી લ્યો!

કીડો છે નરકનો ને એ મરવાનો નરકમાં;
ઇન્સાનનો દુશ્મન છે; ગિરફતાર કરી લ્યો!

ફુત્કાર કરે છે તો ઝેર ઝેરની ધાર;
એ ગોબરો અજગર છે; ગિરફતાર કરી લ્યો!

બાળે છે એ પુષ્પોને, ટહુકાને, વિહગને;
ભડભડતો એ આતશ છે; ગિરફતાર કરી લ્યો!

શયતાનની નવી આવૃત્તિ થઇને એ આવ્યો;
ભૂલો કે એ માણસ છે; ગિરફતાર કરી લ્યો!

- ભગવતીકુમાર શર્મા

મંગળવાર, 23 જૂન, 2009

Gazal

ગઝલ
આસમાને તું જરા તારા ગણી જો!
ને હવામાં ભીંત તું તારે ચણી જો!
બાળકોના હાસ્યમાં એ છે સમાયા,
કેમ કહું કે ગ્રંથ – ગીતાને ભણી જો.
જોર જીવનમાં ઘણું છે આમ તો ભૈ,
તું ય ઘોડા જેમ થોડું હણહણી જો.
આમ તો માની ગયા એ ભૂલ થઇ’તી,
પણ હજુ સ્વીકારતા ક્યાં છે, ટણી જો!
લે ઉદાસી તો ઉડી જાશે ક્ષણોમાં,
દિલથી તું મસ્ત ગીતો ગણગણી જો!
પ્રેમની સાચી નિશાની એ જ છે રે,
આ હૃદયમાં છે વધી ધડકન, ગણી જો!
- રાકેશ ઠક્કર

શુક્રવાર, 19 જૂન, 2009

કથા

મન લાગે ત્યાં સુખ
હિમાલયની તળેટીમાં સહજાનંદ નામના એક મોટા તપસ્વીનો આશ્રમ હતો. તેમના શિષ્યો પણ તેમના જેવા ત્યાગી અને જ્ઞાની હતા. એકવાર મગધના રાજાએ તપસ્વીને આમંત્રિત કર્યા. પહેલા તો તપસ્વીએ ઇનકાર કર્યો. પરંતુ રાજાએ વારંવાર આગ્રહ કરતાં આમંત્રણ સ્વીકાર્યું. મગધમાં તપસ્વી અને તેમના શિષ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એક મહિના બાદ તપસ્વીએ પાછા આશ્રમ જવાની ઇચ્છા પ્રગટ કરી. રાજાએ થોડું વધારે રોકાવા આગ્રહ કર્યો. રાજાના પ્રબળ આગ્રહ સામે તપસ્વી ઢીલા પડ્યા. તપસ્વીનું મન વારેવારે આશ્રમ અને શિષ્યોને યાદ કરતું હતું. મગધમાં તપસ્વીની તબિયત લથડી. રાજાએ વૈદોની ફોજ ખડી કરી દીધી. પણ તપસ્વી સાજા ન થયા. છેવટે તેમના આગ્રહને કારણે રાજાએ આશ્રમ જવા દીધા. થોડા દિવસો પછી રાજા જ્યારે તપસ્વીની તબિયત જોવા આવ્યા ત્યારે તપસ્વીને તંદુરસ્ત જોઇને નવાઇ સાથે કહ્યું. મેં આપની દવા કરાવવામાં કોઇ કસર રાખી નહોતી, છતાં તમે ત્યાં સાજા ન થયા અને અહીં આવીને આટલા જલદી કેવી રીતે સાજા થઇ ગયા? ત્યારે તપસ્વી હસીને બોલ્યા,’હું તપસ્વી છું, એટલે સુખ-સુવિધા મને સાજો કરવાને બદલે માંદો જ પાડશે. ત્યાં તમારા સૈનિકો કર્તવ્યના ભાગ રૂપે મારી સેવા કરે, પણ અહીં શિષ્યો તો પ્રેમ અને શ્રધ્ધાપૂર્વક સેવા કરે છે, જેમાં કોઇ દેખાડો કે ભય હોતો નથી. એટલે મારું મન જ્યાં લાગે એવા આ નિર્મળ માહોલમાં મારા આત્માને સંતોષ મળે છે. એટલે મારી માંદગી જતી રહી. રાજન, જ્યાં મન લાગે ત્યાં જ સુખ મળે છે.

મંગળવાર, 16 જૂન, 2009

લોકકથા

એક લોકકથા
એક માદા શિયાળ બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. શિયાળના આ બચ્ચાને એક સિઁહણ એની સાથે લઇ ગઇ અને પોતાના શિશુ સાથે જ ઉછેર્યુઁ. બધા સાથે રહે, સાથે રમે અને તોફાન પણ કરે. સિઁહ- શિયાળનો ફરક એ બચ્ચાઓમાં દેખાતો નહિ.
પણ, એક દિવસ જંગલમાં એમની સામે હાથી આવ્યો. સિંહના બચ્ચાં તો હાથીનો શિકાર કરવા નહોર તૈયાર કરવા લાગ્યા. પણ શિયાળનું બચ્ચું ડર પામીને ભાગી ગયું. તેણે સિંહણ માતાને કહ્યું, ‘મોટાભાઇ તરીકે મેં આપેલી શિખામણ નાના ભાઇઓએ સ્વીકારી નહિ. હવે શું થશે?’
સિંહણે કહ્યું કે એમાં તારો વાંક નથી. તું મને ધાવીને ઉછર્યું છે. પણ મૂળ પ્રકૃતિ કેવી રીતે દૂર થાય?
તું વીર છે, ચતુર છે, વિદ્વાન છે, દેખાવડો પણ છે; પરંતુ જે કુળમાં તું જન્મ્યો છે તે કુળના લોકો હાથીને હણી નથી શક્તા.
માત્ર એક સાથે રહેવા કે ઊછરવાથી સમાન નથી બની શકાતું.

ગુરુવાર, 11 જૂન, 2009

સુધીર પટેલની ગઝલ

ઋણી હોય છે!
કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે!

જંગલોમાં જઇ કરે તપ એને ક્યાંથી હો ખબર?,
શ્હેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!

વાત માણસની સરળકોણી થશે કયારેય પણ?,
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે!

હું ય માણસ છું, મને સ્વીકાર સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઇ કયાં સર્વગુણી હોય છે!

આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે!
સુધીર પટેલ

બુધવાર, 10 જૂન, 2009

રાકેશ ઠક્કરના નવા પુસ્તકનો પરિચય

રાકેશ ઠક્કરના નવા પુસ્તક 'મનના સવાલ વિજ્ઞાનના જવાબ' નો પરિચય www.readgujarati.com ના 11 જૂનના લેખમાંથી સાભાર.



[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?

કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.
[2] એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?

એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.
[3] માણસને બગાસાં કેમ આવે છે ?

બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે. પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય.
[4] રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?

રેસિંગની કારનો અવાજ અન્ય કારો કરતાં અનેકગણો વધુ હોય છે. સામાન્ય મિકેનિક એવું કારણ આપશે કે રેસિંગની કારનું 700-800 હૉર્સ પાવરનું એન્જિન સામાન્ય મોટર કરતાં સાત-આઠગણું બળવાન હોવાથી બહુ ઘોંઘાટ કરે. પણ ખરો મુદ્દો સાયલન્સરનો છે. મોટરના એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલ જેમ બળે તેમ નકામો ગરમ વાયુ એક્ઝોસ્ટ વાટે બહાર ફેંકાતો રહે છે. જોકે, મોટાભાગની રેસિંગ કારમાં મિથાનોલ વપરાય છે. આ ઝંઝાવાતી વાયુ સખત દબાણ સાથે બહાર નીકળી ઘોંઘાટમય અવાજ પેદા કરે છે. જેને શાંત કરવા દરેક મોટરમાં સાયલેન્સર ફીટ કરવું પડે છે. સાયલેન્સરમાં અનેક ખાના હોય છે. જેમાંથી સખત વાયુના પ્રવાહને પસાર થવું પડે છે. અને સાયલેન્સરમાંના ખાના આ વાયુની ગતિને ધીમી પાડે છે. અને બહાર નીકળતો અવાજ એકદમ ઘટી જાય છે. પણ રેસિંગની કાર માટે સાયલેન્સરનો ગેરફાયદો એ બને કે એન્જિનની કાર્યક્ષમતા થોડીક ઘટે. કેમ કે રીવર્સમાં વાયુનું જે દબાણ થાય તેના ધક્કાનો એન્જિને સામનો કરવો પડે છે. એટલે મોટરની સ્પીડ જરાક ઘટી જાય. પણ રેસમાં ભાગ લેતી કારનો મહત્તમ વેગ સહેજ પણ ઓછો થાય તે ન ચાલે. એટલે રેસિંગની કારના એકઝોસ્ટ જોડે સાયલેન્સર ફીટ કરવામાં આવતું નથી.
[5] આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ?

કુદરતે આંખનાં પોપચાંને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશાં ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઑક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચાં આંખોને રક્ષણ આપે છે. આવાં કાર્યૉ માટે જ કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે 1 પલકારો કરે છે.
[6] ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?

હોસ્પિટલમાં ડૉક્ટર દરદીને તપાસતી વખતે સફેદ કપડાં પહેરે છે. પણ ઓપરેશન વખતે તે યોગ્ય નથી. કેમ કે સફેદ કપડાં પર ક્યારેક પડતો લોહીનો ડાઘ તરત નજરે ચઢે છે. ઓપરેશન પછી આવા લાલભડક ડાઘવાળા કપડાં સાથે ડૉક્ટર બહાર નીકળે ત્યારે દરદીના ચિંતાગ્રસ્ત પરિવારજનોને એ ના ગમે. જો લાલ કપડાં પહેરે તો આખો ડ્રેસ લોહીથી ખરડાયેલો લાગે. કાળા રંગના કપડાં મૃત્યુસૂચક શોકના હોવાથી યોગ્ય નથી. માત્ર ભૂરો-લીલો રંગ જ એવો છે જે લોહીના ડાઘને સહેજ ઘેરા ચોકલેટી જેવા બનાવે છે. તેથી ડૉક્ટરો માટે ઓપરેશન કરતી વખતે લીલા રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા છે.
[7] ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?

વાહન ચલાવતી વખતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઈલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમ કે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રાધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જાવાની શક્યતા જોતાં વૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઈવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો ‘રિએકશન ટાઈમ’ 0.186 સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે 0.289 સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ 55% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલા જ પ્રમાણમાં વધી જાય. ધારો કે 60 કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા સુધીમાં વાહન 1.8 મીટર જેટલું અંતર કાપી નાખે. અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે બહુ અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે.
[8] ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનના આરંભે Rx કેમ લખે છે ?

ડૉક્ટરો પોતાના દરદી માટે દવાનું નામ લખતા પહેલાં શુભેચ્છા વ્યક્ત કરવા Rx સંજ્ઞા વાપરે છે. પ્રાચીન સમયમાં રોમના પ્રજાજનો ગુરુને એટલે કે જ્યુપિટરને દેવ તરીકે પૂજતા અને ત્યાર પછી મધ્યયુગમાં તબીબો એવું માનતા થયા કે માણસના સ્વાસ્થ્ય પર જ્યુપિટર ગ્રહ બહુ મોટી અસર કરે છે. આથી રોમનોએ ગુરુ માટે જે સંજ્ઞા પસંદ કરેલી તે ડૉક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખવા માંડ્યા. એ પછી તો ‘ગુરુ તમને જલદી સાજા કરે.’ એવી શુભેચ્છા દર્શાવવા માટે Rx લખવાનો કાયમી ધારો પડી ગયો. જ્યુપિટરની મૂળ સંજ્ઞા સહેજ જુદી છે. જે ચિત્ર દોરવામાં મુશ્કેલી પડે. એટલે Rx લખીને તેઓ પોતાનું કામ સહેલું બનાવે છે.
[9] કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?

ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. (આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે.) ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.
[10] એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?

એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમી)ને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે. અને આ ગરમી બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં 1 ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન 1000 બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો 1 ટનનો હોય તો 24 કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે 288000 બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે 1 કલાકના 12000 બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું જે મોડેલ દર કલાકે ઓરડામાંની 12000 બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે 1 ટનની ક્ષમતાનું ગણાય છે. જો 2 ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે 24000 બી.ટી.યુ. ગરમી બહાર કાઢે છે.

[કુલ પાન : 96. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : રાકેશ ઠક્કર, ડી-106, સૂર્યા સોસાયટી, પટેલ સમાજની વાડી પાસે, છરવાડા રોડ, જી.આઇ.ડી.સી. વાપી. તા-પારડી, જિ. વલસાડ.

સોમવાર, 8 જૂન, 2009

ગાંધીજી

રામનામ

મૃત્યુપર્યંત ગાંધીજી રામનામને વળગી રહે છે. આમાં ગાંધીજીની અંધશ્રદ્ધા હશે તેવો પ્રશ્ન બુદ્ધિગમ્ય છે. તેના સાચા ઉત્તર માટે ગાંધીજીના ‘રામનામ’ પુસ્તકનાં થોડાં વાક્યો વાંચીએ તે જરૂરી છે :
[1] ઈશ્વરને નામની દરકાર ન હોય.[2] કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી.[3] નામસ્મરણ તે પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.[4] રામ એ કોઈ અયોધ્યાના રાજકુમારનું નામ એટલો સીમિત અર્થ ન કરતાં જે શક્તિ સચરાચરમાં સર્વવ્યાપક છે તે અર્થ સાચો છે.[5] ઈશ્વર એકલો પૂર્ણ છે. મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા પરથી ઊતરી પડતો નથી.[6] રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે.
‘હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી’ માંથી સાભાર.

મનના સવાલ વિજ્ઞાનના જવાબ

રાકેશ ઠક્કરના પુસ્તક 'મનના સવાલ વિજ્ઞાનના જવાબ ' નું પ્રગટીકરણ પેટલાદથી પ્રગટ થતા 'મહાગુજરાત ટાઇમ્સ' સાપ્તાહિકમાં થઇ રહ્યું છે. તેની એક ઝલક.....

ગુરુવાર, 4 જૂન, 2009

ગુજરાતી ગઝલ

ગઝલ
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.

યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.

સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.

મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.
- રાકેશ ઠક્કર
http://www.gujaratikavita.com/ પર તા-4/6/2009 ના રોજ આ ગઝલ મુકાયેલ છે.

બુધવાર, 3 જૂન, 2009

ચિંતન


ચિંતન
સૃષ્ટિમાં વસ્તુઓ નાની નાની ચીજોની બનેલી છે. મોટી વસ્તુની પરિપૂર્ણતાનો આધાર નાની વસ્તુની પૂર્ણ દશા પર રહેલો છે. ધૂળની રજ વિના દુનિયા ઘડાત નહીં. આખી દુનિયા ખોડ વિનાની દીસે છે તેનું કારણ એ છે કે ધૂળની રજથી પરિપૂર્ણ છે. નાની બાબતોમાં બેદરકાર રહેવાથી મોટી બાબતોમાં ગોટાળો થાય છે. હિમનો કણ તારાના જેવો જ સર્વાંગશુદ્ધ હોય છે. ઝાકળનું બિંદુ ગ્રહના જેવું આકાશશુદ્ધ હોય છે. સુક્ષ્મ જંતુનો ઘાટ માણસના જેટલી જ ચોક્કસાઈથી ઘડાયેલો હોય છે. સારાંશમાં, રોજના વ્યવહારમાં સામાન્ય જણાતી બાબતો કેટલી અગત્યની છે તે મહાન વ્યક્તિ સમજે છે. તેવો માણસ કાંઈ છોડી દેતો નથી, ઉતાવળ કરતો નથી, કશાથી નાસી છૂટવા માગતો નથી, જે ફરજ આવે તે ધ્યાન દઈ બજાવે છે. તે કામ લંબાવતો નથી કે જેથી તેને પસ્તાવું પડે. હાથ પરનું કામ પૂરેપૂરું કરવાથી દેહાભિમાન વગરનો પ્રભાવ એકત્ર થાય છે, જેને પ્રભુતા કહે છે.સાચું અને હૈયે હોય તેવું જ બોલજો. કોઈ પણ રીતે કોઈને છેતરશો નહીં. નવરા બેઠા ગપ્પાં મારવાની આદત છોડી દો. બીજાઓના ઘરસંસારની, ખાનગી બાબતોની વાતો કરશો નહીં. બીજા પર આળ ચડાવશો નહીં કે ગુનાનો આરોપ મૂકશો નહીં. જેઓ નીતિના માર્ગે ચાલતા નથી તેમને દોષ દેશો નહીં. તેમના તરફ દયાભાવ દર્શાવી તમે તમારા માર્ગે જજો.
સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.
જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.- જેમ્સ એલન
હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.- હેન્રી થૉરો

બુધવાર, 27 મે, 2009

maa

એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ.. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. ઓરડામાં લાઈટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈને એ ઓરડામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો.‘કોણ ?’‘બેટા ! હું તારી મમ્મી !’‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?’‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.’‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી ?’‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.’‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !’‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?’ આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો.
‘લખી રાખો આરસની તકતી પર’ પુસ્તકમાંથી સાભાર