ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2010

ઊંઘ

છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન હું કદી પાંચ કલાકથી વધારે ઊંઘી નથી. અમારાં લગ્ન થયાં ત્યારે અમારો પાળેલો આઈરિશ વુલ્ફહાઉન્ડ કૂતરો, જે કદમાં ગધેડા કરતાં થોડોક જ નાનો હોય છે તે સાથે આવીને સૂઈ જતો. મારા પતિના મૃત્યુ પછી અમારાં ત્રણ કૂતરાં મારા પલંગમાં સૂવા આવ્યાં છે. એમને થોડા કલાકો પછી ઊઠીને થોડું ફરવા જોઈએ. તેમની હલનચલનથી, ઊંઘમાં સ્વપ્ન જોતાં તેઓ પગ હલાવે તેનાથી જાગીને હું ઘણી વાર પથારીના એક ખૂણે ચાલી ગઈ હોઉં છું ને ફરી આરામથી સૂઈ જાઉં છું. હમણાં મને એક નવી ટેવ પડી છે. સૂવા માટે મારે અવાજ જોઈએ છે, તેથી મારું ટીવી આખી રાત ચાલતું રહે છે.
સૂવાની આવી વિચિત્ર ટેવ ફક્ત મને છે ? આપણે મનુષ્યજાતિના છીએ. આપણને 8 કલાકની ઊંઘ જોઈએ છે. પ્રાણીઓની તંદુરસ્તી માટે પણ ઊંઘ જરૂરી છે. તેમની ઊંઘની આદતો વિશે જાણીએ. સસ્તન પ્રાણીઓમાં જિરાફને સૌથી ઓછી 1.9 કલાકની ઊંઘ જોઈએ છે. તે એકસાથે પાંચ મિનિટથી વધારે ઊંઘતું નથી. બીજી તરફ કથ્થાઈ રંગનું ચામાચીડિયું (બ્રાઉન બેટ) દિવસના 19 કલાક ઊંઘે છે. (મારા કૂતરાની જેમ, તેઓ ફક્ત ખાવા, રમવા, લડવા અને અજાણ્યાઓનો પ્રેમ આકર્ષિત કરવા પૂરતાં જ જાગે છે !)
એશિયાનો હાથી 3.1 કલાક સૂએ છે, હરણ પણ. ગધેડો 4 કલાક, ચિમ્પાન્ઝી 11 કલાક, ખિસકોલી અને પાળેલી બિલાડી 12.5 કલાક અને સિંહ એકાદ કલાકથી વધારે સૂએ છે. કૂતરાને 13 કલાકની ઊંઘ જોઈએ. કૂતરાંને સૂતાં પહેલાં ચક્કર મારવાની ટેવ હોય છે. જંગલમાં તેઓ લાંબા ઘાસ કે બીજી વનસ્પતિને ખેંચી લાવી પથારી જેવું બનાવે છે. તેઓ ગાઢ નિદ્રામાં છે તેની ખબર તેમનાં પોપચાં પરથી, મૂછોના ભાગના સ્નાયુના અને પગના હલનચલન પરથી પડે છે. સામાન્ય બિલાડી 13થી 16 કલાકની ઊંઘ ખેંચે છે. આટલી લાંબી ઊંઘ લેવા છતાં તે કદી આખી રાત એકીસાથે સૂતી નથી, કેમ કે એ સમયે તેને શિકાર પણ શોધવાનો હોય છે. ચામાચીડિયાં ઊંઘા લટકે છે અને એ જ મુદ્રામાં ઊંઘે છે, તેઓ ઊંધાં એટલા માટે લટકે છે કે તેમની પાંખો નબળી હોવાથી તેઓ જમીન પરથી સીધા આકાશમાં ઊડી શકતાં નથી. લટકવાની મુદ્રામાંથી ઊડવું સહેલું પડે છે. તેમના પગના આંકડાવાળા નહોર એકબીજા સાથે ‘લૉક’ થઈ જાય છે, તેથી લટકવું તેમને માટે સુગમ છે.
બબૂન વાનરો ઝાડ પર સૂએ છે. આને લીધે ઊંઘમાં પણ તેઓ આક્રમકોથી સાવધ રહી શકે છે. ‘હેઝલ ડોરમાઉસ’ જાતિના ઉંદર ઝાડની પાતળી ડાળીને વળગીને સૂએ છે. ડાળીનું આકસ્મિક હલનચલન તેમને જોખમથી સાવચેત કરે છે. ચિત્તો પણ ઝાડ પર સૂએ છે. ગાય અને ઘોડા ઊભાં-ઊભાં ઊંઘે છે ને ઘણી વાર તો આંખ પણ ખુલ્લી રાખી ઊંઘી જાય છે. ઘણાં પક્ષીઓ પણ ઊભાં ઊભાં ઊંઘે છે કે પછી સળિયો કે ડાળ પકડીને સૂઈ જાય છે. ‘ફિઝન્ટ’ કે ‘પાર્ટ્રિજ’ જેવાં પક્ષીઓ જમીન પર સૂએ છે. ‘વૉટર ફાઉલ’ તરતાં તરતાં ઊંઘ ખેંચી લે છે. પોપટની અમુક જાત ઊંઘતી વખતે ઊંધી થઈ લટકે છે. ડૉલ્ફિન અને બીજા અમુક વિશાળકાય દરિયાઈ સસ્તન પ્રાણીઓ એક આંખ ખુલ્લી રાખી ઊંઘે છે તે વખતે તેમના મગજનો અડધો ભાગ જાગૃત હોય છે, જેથી શ્વસનક્રિયા ચાલુ રહે અને આક્રમણખોરો પર નજર રહે. ડોલ્ફિન તેની ઓછી ઊંઘ માટે જાણીતી છે. તેનું બચ્ચું જન્મે ત્યાર પછીના થોડા મહિના મા અને બચ્ચું ઊંઘતા જ નથી ! બતક જેવાં પક્ષીઓ પણ એક આંખ ખુલ્લી રાખીને અને અડધું મગજ જાગૃત રાખીને સૂએ છે. ‘માલાર્ડ’ લાઈનમાં સૂએ છે. છેડે રહેલા ‘માલાર્ડ’ સંત્રીનું કામ કરે છે જેથી વચ્ચે સૂતેલાં આરામથી ઊંઘી શકે. ‘સ્વાઈનશન્સ થ્રશ’ દિવસ દરમિયાન સેંકડો નાનાં ઝોકાં ખાય છે. યાયાવર પક્ષીઓ પોતાના ઉડ્ડયન દરમિયાન થોડી સેકન્ડો માટે ઊંઘી લે છે. ‘આલ્બેટ્રોસ’ પક્ષીઓ કલાકના 25 માઈલની ઝડપે ઊડતાં ઊડતાં પણ આવાં મીની ઝોકાં ખાઈ લે છે. (દારૂ પીધેલા પુરુષો પણ આવો પ્રયોગ ડ્રાઈવિંગ દરમિયાન કરે છે અને મોટે ભાગે નિષ્ફળ જાય છે !)
દરિયાઈ ઘોડો ઊંઘતાં ઊંઘતાં તરી શકે છે. તે પાણીની નીચે કે સપાટી પર ગમે ત્યાં ઊંઘી શકે છે. તે પાંચ મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે, એ દરમિયાન એક ઝોકું ખાઈ લે છે. તેનાથી વધારે વાર ઊંઘવું હોય તો તે પોતાના શરીરમાં રહેલી ખાલી જગ્યાઓ (ફેરિંગલ્સ) હવાથી ભરી દે છે. તેના શરીરમાં 13 ગૅલન જેટલી હવા સમાય છે. તેનાથી તે લાઈફ જેકેટ જેવા હળવા બની, હવામાં નાક ઊંચું રાખી પાણીના તરંગો પર તરતા રહે છે અને ઊંઘતા રહે છે. હજુ વધારે સૂવું હોય તો તે પોતાના લાંબા દાંત બરફની શિલામાં ભરાવી દે છે કે પછી જમીન પર સૂવા ચાલ્યા જાય છે અને એકસાથે ઓગણીસ કલાક ઊંઘી જાય છે. તેને રોજરોજ સૂવા જોઈતું નથી હોતું અને તેઓ સતત ત્રણ દિવસ સુધી તરતા રહી શકે છે. હિપોપોટેમસ પણ પાણીમાં ઊંઘી શકે છે.
હવામાન બદલાય અને ખોરાકની સુલભતા ઓછી થાય ત્યારે શક્તિ બચાવવા ઘણાં પ્રાણીઓ લાંબી ઊંઘ ખેંચે છે. તેને માટે શિયાળામાં ‘હાઈબરનેશન’ નિષ્ક્રિયતા અને ઉનાળામાં ‘એસ્ટિવેશન’ એ શબ્દો વપરાય છે. ‘ડોરમાઉસ’ની નિષ્ક્રિયતા હાઈબરનેશન છ મહિના જેટલી હોય છે. જો શિયાળો લાંબો કે આકરો હોય તો આ અવધિ હજી લંબાય છે. સરકતાં પ્રાણીઓ પાનખરમાં નિષ્ક્રિય બને છે, પણ એ દરમિયાન તેઓ જાગી પાણી પી પાછાં સૂઈ જાય એવું ઘણી બધી વાર કરે છે. દેડકાં તળાવોના તળિયે કે બરફની સપાટીની નીચે આખો શિયાળો નિષ્ક્રિય બને છે. દેડકાંના શરીરમાં અમુક પ્રાકૃતિક ‘એન્ટિફ્રીઝ’ ક્રેઝ રસાયણો બનતાં હોય છે. ‘પુરવિલ’ નામનું પક્ષી અજબ રીતે નિષ્ક્રિય થાય છે. મહિનાઓ લાંબી નિષ્ક્રિયતા દરમિયાન તે પથ્થરો વચ્ચે પોતાને પૂરી દે છે. જાડી પૂછડીવાળું નાનું લેમર સતત સાત મહિના ઊંઘે છે.
ઘણા પ્રાણીઓ બગાસાં ખાય છે, પણ એ બગાસાં ઊંઘનાં જ હોય તેવું જરૂરી નથી. કૂતરું બગાસું ખાઈને પોતાનો પ્રેમ બતાવે છે. સિયામિઝ લડાકુ માછલી બીજી લડાકુ માછલીને જુએ ત્યારે બગાસું ખાય છે અને પછી આક્રમણ કરે છે. તે પોતાનું પ્રતિબિંબ જુએ તો પણ બગાસું ખાય છે. પેંગ્વિન સંવનન દરમિયાન બગાસું ખાય છે. સર્પ જમ્યા પછી જડબાંને આરામદાયક સ્થિતિમાં લાવવા માટે બગાસું ખાય છે.
બધાં પ્રાણીઓ ઊંઘે છે. આપણે શા માટે ઊંઘીએ છીએ તેનો અભ્યાસ 40 વર્ષ પહેલાં શરૂ થયો. એ અભ્યાસ મુજબ પ્રાણીઓ કેટલું ઊંઘે છે તેના પરથી તેઓ શિકાર છે કે શિકારી તે સમજાય છે. શિકાર હોય તે ઓછું સૂવાની ટેવ ધરાવતાં હોય છે, કારણ ઊંઘ તેમની સલામતીની દુશ્મન હોય છે. નાનાં સસ્તન પ્રાણીઓને મોટાં પ્રાણીઓ કરતાં વધુ ઊંઘ જોઈએ છે, કેમ કે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ શક્તિનો સંચય ઓછો કરી શકે છે. છતાં એક હકીકત બધાં જ પ્રાણીઓને લાગુ પડે છે કે ઊંઘ શરીરની શક્તિનું સંવર્ધન કરે છે. તેનાથી શરીરના કોષોને રિપૅર થવાનો સમય મળે છે. મગજને આરામ મળવાથી સ્મૃતિ અને સંકલનની શક્તિ વધે છે.

મેનકા ગાંધી

[‘જન્મભૂમિ’ અખબારમાંથી સાભાર. આપ લેખિકાનો (નવી દિલ્હી) આ સરનામે gandhim@parlis.nic.in પર સંપર્ક કરી શકો છો.] www.readgujarati.com ના સૌજન્યથી

ગુરુવાર, 26 ઑગસ્ટ, 2010

તે ઑર વાત છે.

ચોપડામાં લાખ હો તે ઑર વાત છે,
રોકડા જે હાથ હો તે ઑર વાત છે.

આબરૂને નામ ઉધારી ઘણી કરી,
રૂદિયે ઉચાટ હો તે ઑર વાત છે.

સામસામે બંદુકો તાકી ઉભા હતા,
સરહદે જોડાણ હો તે ઑર વાત છે.

કેટલાં ખાનાં બનાવી જિંદગી જીવ્યા,
રેણ હો સંધાણ હો તે ઑર વાત છે.

મેં કહી ને તેં કહી તે વાત એક છે,
તો ય અફવા ચાર હો તે ઑર વાત છે.

કેટલા તૉડ્યા કિનારા ક્યાંક ખુદ ઝુક્યા,
જિંદગી પ્રવાહ હો તે ઑર વાત છે.

એક તક આવી કહે ચાલો સુખી કરું,
આખરી પ્રસ્તાવ હો તે ઑર વાત છે.

રાહમાં ચાલ્યા જતાં સામે જુએ બધા,
‘કીર્તિ’ સાથોસાથ હો તે ઑર વાત છે.
-કીર્તિકાન્ત પુરોહિત

બુધવાર, 28 જુલાઈ, 2010

સુભાષિત

लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम ।दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम ।।
જેમ બિલાડી દૂધને જુએ છે; પરંતુ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે, પરંતુ આપત્તિને જોતો નથી.
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।अस्पृशन्नेव वित्तानि य: परेभ्य: प्रयच्छति ।।
કંજૂસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહિ; કારણ કે તે પોતાનું બધું ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.
‘સુભાષિત રત્નાવલી’ ગ્રંથમાંથી

બુધવાર, 21 જુલાઈ, 2010

તું બડબડ ન કર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.
બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.
હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.
પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.
કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.
ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
-રઈશ મનીઆર

શનિવાર, 3 જુલાઈ, 2010

ટિપ્સ

હેલ્થ ટિપ્સ
* ગુમડા પર મસુરની દાળ વાટીને લગાવવાથી ગુમડું ફુટી જાય છે. અને મટી પણ જાય છે.

* બાળકને તાવ અને શરદી રહેતા હોય તો એક ચમચી તુલસીનો રસ અને મધ ભેળવીને રોજ સવાર – સાંજ આપો.
* માથામાં મેલ વધારે થઇ ગયો હોય તો થોડા દિવસ છાશથી માથુ ધોવાથી મેલ નીકળી જશે.
* દુધીના ગરની પોટલી બનાવીને માથે મુકવાથી માથાની ગરમી દુર થાય છે
* લવિંગ અને તુલસીવાળી ચા બનાવીને પીવાથી કાકડાનો સોજો દુર થાય છે.
* કોબીજના પાંદડાનો રસ કાઢી ખરજવા પર લગાવવાથી રાહત થશે.
* સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે સાંધા પર નિયમિત લીબુંનો રસ લગાવો.
* છાશમાં મીઠું અને જીરું નાંખીને પીવાથી શરીરમાં થતી બળતરા શાંત થાય છે.
* ગરમ પાણીની કોથળીમાં ગરમ પાણી ભરતા પહેલાં પાણીમાં થોડું મીઠું નાંખવાથી લાંબા સમય સુધી ગરમ રહેશે.


બ્યુટિ ટિપ્સ
* ગુલાબની પાંદડીઓ વાટીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી બને છે.

* કારેલાની છાલને છીણી ચહેરા પર ઘસવાથી સ્ક્રબનું કાર્ય કરશે. નિયમિત આ ઉપચાર કરવાથી ચહેરા પરથી બ્લેકહેડ્ઝ તથા ખીલ દુર થશે.
* નેલપોલિશ લગવવાથી નખ પીળા ન થઇ જાય તે માટે પહેલાં ટ્રાન્સપરન્ટ કે બેઝ કોટ લગાવો.
* મેંદીનો રંગ ઘેરો આવે તે માટે મેંદી પલાળતી વખતે તેમાં આંબલીનું પાણી અને દસ –બાર લવિંગ વાટીને ભેળવી દો.

શુક્રવાર, 18 જૂન, 2010

બાઝી પડ્યો રે વરસાદ

લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ…
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્માદ …
MUKESH JOSHI

મંગળવાર, 8 જૂન, 2010

સૂરતનો એવો વરસાદ

મારા માતૃશ્રી પુષ્પાબેન મફતભાઇ ઠક્કરનું તા-21/5/10 ના રોજ અવસાન થયું હોવાથી એક માસથી નવી પોસ્ટ મૂકી શક્યો નથી. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે આજની નવી પોસ્ટ સાદર.....

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…
નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…
- નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? સૌજન્ય- http://layastaro.com

શુક્રવાર, 7 મે, 2010

જો જો હસતા નહિ

સવાલ : લોટરી ખરીદતા અને પત્ની સાથે ઝઘડતા પુરુષમાં શું ફરક?
જવાબ : લૉટરી ખરીદતો માણસ જીતે એવી શક્યતા હોય છે.
**
પતિ : હમણાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે ૯૯ ટકા પુરષો દુ:ખી થાય છે અને ૯૯ ટકા સ્ત્રીઓ સુખી થાય છે.
પત્નિ : આપણે બંને બાકીના એક ટકામાં આવીએ છીએ.
**
વકીલાતનો વિદ્યાર્થી : જે માણસ બે વાર પરણે તેને સજા કરવાની કશી જરૂર નથી.
પ્રોફેસર : કેમ, બે વાર લગ્ન કરવા એ ગુનો છે. તેને સજા થવી જ જોઇએ.
વકીલાતનો વિદ્યાર્થી : તેને આપોઆપ જ સજા મળી જાય સર, બબ્બે સાસુ બેઠી હોય પછી કાયદાની શું જરૂર?
**
ફિલ્મ જોવા માટેની લાંબી લાઇનમાં પ્રથમ નંબર એક પુરુષનો હતો. તેની પાછળ બે સ્ત્રીઓ હતી. દેખાવમાં તે બે સ્ત્રીઓ મા-દીકરી જેવી લાગતી હતી. હવે બે ટિકિટો બાકી હતી એટલે ટિકિટવાળાએ લાઇનમાં પહેલા ઊભેલા પુરુષને કહ્યું : હવે બે જ ટિકિટ બાકી છે. તમને વાંધો ન હોય તો તમારી પાછળ બે સ્ત્રીઓ સાથે છે તેમને આપી દઉં. તમે પણ દીકરીને માથી છૂટી પાડવા તો નહિ જ ઇચ્છતા હો.
પુરુષ : ના-ના, તમે ટિકિટ તેમને જ આપી દો. જીવનમાં એક વખત મેં દીકરીને માથી છૂટી પાડી એનાં પરિણામો આજ સુધી સતત ભોગવી રહ્યો છું.

**
જે કુંવારા હોય અથવા કુંવારા રહી ગયા હોય તેમને ગમી જાય એવી ચીની કહેવત : એક દિવસ માટે સુખી થવું હોય તો ભૂંડ મારીને ખાજો. એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો લગ્ન કરજો અને જો જિંદગીભર સુખી થવું હોય તો આંગણામાં બાગ બનાવજો!
- રાકેશ ઠક્કર

રવિવાર, 2 મે, 2010

એ તે કેવો ગુજરાતી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.
ના, ના, તે નહિ ગુજરાતી,

જે હો કેવળ ગુજરાતી.એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?
સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર

મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતીબધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.
તે નહિ નહીં જ ગુજરાતી,જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,

હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?
- ઉમાશંકર જોશી

ગુરુવાર, 29 એપ્રિલ, 2010

જો ગીતા કુરાન પર

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર

સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર

મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર

શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર

પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર
- હેમંત પુણેકર

સોમવાર, 26 એપ્રિલ, 2010

ઈશ્વર

ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે.

જોન ફુર્લ્ટન

શુક્રવાર, 16 એપ્રિલ, 2010

‘સંતોષ વધુ તો સુખ વધુ’

સ્વતંત્ર આકર્ષક બંગલો, આંગણે શોભતી ત્રણ ગાડીઓ, સમાજમાં જામેલી પ્રચંડ પ્રતિષ્ઠા, શરીર પર ઝૂલતા અલંકારો, ત્રણ ફૅક્ટરીઓ, વરસે પાંચ કરોડનું ટર્ન-ઓવર. આ બધું તમને ‘સુખી’ જાહેર કરવા માટે પર્યાપ્ત છે. આવું બધું જેને ત્યાં હોય એ ‘સુખી’ જ હોય એવું તમારી આજુબાજુનો વર્ગ અચૂક માનતો હોય છે અને એટલા માટે જ એમાંના જેની પણ નજરે તમે ચડો છો એની આંખમાં તમે ‘સુખી’ તરીકે અચૂક પ્રતિષ્ઠિત થઈ જાઓ છો.
પણ મારે તમને વાત એ કરવી છે કે સમાજની નજરે ‘સુખી’ જાહેર થવું એ જુદું, સમાજ વચ્ચે ‘સુખી’ દેખાવું એ જુદું અને સાચા અર્થમાં ‘સુખી’ હોવું એ જુદું. સામગ્રીની વિપુલતા તમને સુખી જાહેર કરે છે જ્યારે સંતોષનો સદગુણ તમને સુખી બનાવે છે. સામગ્રીની અલ્પતાવાળાને સમાજ સુખી માનવા તૈયાર નથી જ્યારે સંતોષની કચાશવાળો ખુદ પોતાની જાતને સુખી માની શકતો નથી. નગ્ન સત્ય આ હોવા છતાં આજના માણસને કોણ જાણે કેમ, પણ સુખી બનવામાં એટલો રસ નથી, જેટલો રસ સુખી દેખાવામાં છે. શાંતિથી ઘરને ખૂણે બેસીને રોટલી, દાળ ખાવાનું ટાળીને અશાંતિ સાથે દોડતા દોડતા મીઠાઈ ખાવાના અભરખા એના વધુ છે. ‘સામગ્રી વધુ તો સુખ વધુ’ આ સૂત્રને જીવનનો ‘ટ્રેડમાર્ક’ બનાવવામાં એ જેટલું ગૌરવ અનુભવે છે એટલી જ હીણપતની લાગણી એ ‘સંતોષ વધુ તો સુખ વધુ’ નું સૂત્ર સાંભળતા અનુભવે છે.
આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

કુછ લોગ પહેચાને ગયે

વો જરા સી બાત પર બરસોં કે યારાને ગયે,
લેકિન ઇતના તો હુઆ કુછ લોગ પહેચાને ગયે.

મહેંદી હસને આ લોકપ્રિય ગઝલને કંઠ આપ્યો છે. શાયરે અહીં એક એવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે જેનો અનુભવ ઘણાને થયો હોય છે. ક્યારેક એવું બને છે કે એકાદ નાની સી વાતને લીધે વર્ષો જૂનાં સંબંધોમાં વિચ્છેદ પડી જાય. મનદુખ કરાવે એવી કોઇ વાત કહેવાઇ જાય અને સંબંધોમાં સાંધી ન શકાય તેવી તિરાડ પડી જાય છે. આવી સ્થિતિમાં પણ શાયરને એક આશાનું કિરણ જરૂર દેખાય છે. – ચાલો એટલું તો થયું કે અમુક લોકોનો ખરો પરિચય મળ્યો, જેમને આપણે નિકટના મિત્ર સમજતા હોઇએ એ જયારે જૂના સંબંધો બગાડી દે ત્યારે જ એમની ખરી પહેચાન થાય છે. જો સંબંધો એટલા જ કાચા હોય તો એમને જાળવી રાખવાનો પણ કોઇ અર્થ નથી.
- બકુલ બક્ષી

શનિવાર, 3 એપ્રિલ, 2010

સ્વાસ્થ્યની ચાવી

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ મનમાં શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. ભવિષ્યમાં વિજ્ઞાન એવું જરૂર સાબિત કરશે કે માણસના ઘણાખરા રોગો દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે. ક્ષમા, ઉદારતા રોગશામક છે. પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે. એક વિચારક કહે છે કે, ‘તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.’ તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : ‘હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.’
રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ ‘બંધકોષ બંદોપાધ્યાય’ હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? નિયમિત કસરત અને માફસરનો આહાર ! કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો. જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો માનવું કે તમે ‘તમે’ છો.
ગુણવંત શાહ

શુક્રવાર, 19 માર્ચ, 2010

જોબનનો ઉતારો ફાંકો !

વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?

રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ,

તમે આખાં તે વેણ કેમ બોલશો ?

થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?

દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !

સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;

મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,

સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;

ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.
- ભગવતીકુમાર પાઠક

ગુરુવાર, 18 માર્ચ, 2010

ચાલો હસી લઇએ

છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’ મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’***********
પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’ પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’***********
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’***********
એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’***********
એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’શેઠ : ‘દાદા’મિત્ર : ‘એટલે ?’શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’***********
પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’***********
એક કેદી બીજાને :‘તને કેટલા વર્ષની સજા થઈ છે ?’‘અઢાર વર્ષની…. અને તને ?’‘મને પંદર વર્ષની….’‘તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’***********
એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.પતિનું મગજ ફાટ્યું.‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’***********
છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’***********
સંસ્કૃતના ટીચરે પૂછ્યું :‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’***********
પોલીસ ઈન્સ્પેક્ટર (હવાલદારને) : ‘ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મીનીસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી ?’હવાલદાર : ‘કારણ કે બહાર બોર્ડ મારેલું હતું – પરવાનગી વિના અંદર આવવું નહિ.’***********
પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે.’પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’***********
પ્રથમ સૈનિક : ‘તું કેમ આર્મીમાં જોડાયો ?’બીજો સૈનિક : ‘મારી પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું ?’પ્રથમ સૈનિક : ‘મારે પત્ની છે પણ મને શાંતિ ગમે છે.’***********
કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’***********
યમરાજ ધરતી પર આવીને બાર બાટલી પી ગયા. આશ્ચર્યથી વેઈટરે એમને પૂછ્યું :‘તમને નશો ચઢ્યો નહિ ?’યમરાજ : ‘ના. કારણ કે હું ભગવાન છું.’વેઈટર મનોમન બબડ્યો : ‘હવે એને ચઢી ગઈ લાગે છે !’***********
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’***********
સંતાસિંહ જંગલમાંથી પસાર થતો હતો. એક ઝાડ પરથી મોટો અજગર લટકતો જોઈને સંતાસિંહ બોલ્યો : ‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’***********
એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’***********
એક કંજૂસ મરણપથારીએ બૂમો પાડવા લાગ્યો :‘મારો પુત્ર, પુત્રી ક્યાં છે ?’દીકરો અને દીકરી બોલ્યાં : ‘અમે અહીંયા જ છીએ, પપ્પા !’‘તમારી મમ્મી ક્યાં છે ?’એની પત્ની બોલી : ‘હું પણ અહીં તમારી પાસે જ છું.’‘નાનોભાઈ અને ભાભી ક્યાં છે ?’તેઓ બોલ્યા : ‘અમે અહીં તમારી બાજુમાં જ બેઠા છે.’કંજૂસ બોલ્યો : ‘ડફોળો ! તમે બધા અહીં બેઠા છો તો અંદરના રૂમમાં પંખો કેમ ચાલુ છે ?’***********
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.લેખક : સારા સમાચાર પહેલા આપો.પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !લેખક : અને માઠા સમાચાર શું છે ?પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.***********
મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : ‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’***********
રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’***********
એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.***********
ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’***********
દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.’
- શ્રી તરંગભાઈ

સોમવાર, 8 માર્ચ, 2010

મન અને વાણી – છાંદોગ્ય ઉપનિષદ

સૃષ્ટિના આરંભે માત્ર સત હતું. એક અને અદ્વિતિય. એમાંથી તેજ પ્રગટ્યું. તેજમાંથી જલ પ્રગટ્યું અને જલમાંથી અન્ન બન્યું. ખાધેલું અન્ન ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. અન્નનો જે અત્યંત સ્થૂળ અંશ છે, એમાંથી મળ બને છે. જે મધ્યમ અંશ છે, એમાંથી માંસ બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેમાંથી મન બને છે. (આમ મનની ગતિને અન્નની ગુણવત્તા સાથે સીધો સંબંધ છે. અન્ન વગર મન મૂઢ બની જાય છે. મનને શાંત રાખવા મસાલા, કાંદા, લસણથી દૂર રહેવાની ઘણા ધર્મોએ શીખ આપી છે, એ પ્રદાર્થો મનમાં ઉત્તેજના પેદા કરે છે.)
પીધેલું પાણી ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. પાણીનો જે અત્યંત સ્થૂળ અંશ છે, તેનું મૂત્ર બને છે. જે મધ્યમ અંશ છે, તેનું રક્ત બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેનો પ્રાણ બને છે. (આથી જ પાણી વગર પ્રાણ ટકી શકતો નથી.)
ખાધેલું તેજ ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. તેજનો અત્યંત સ્થૂળ અંશ છે તેમાંથી અસ્થિ બને છે. જે મધ્યમ અંશ છે, તેમાંથી મજ્જા બને છે. જે અત્યંત સૂક્ષ્મ અંશ છે તેમાંથી વાણી બને છે.
આમ, મન અન્નમય છે, પ્રાણ આપોમય (જળમય) અને વાણી તેજોમય છે.

www.readgujarati.com

ગુરુવાર, 4 માર્ચ, 2010

ન પામ્યા !

હતો પ્રશ્ન એવું નિવારણ ન પામ્યા !
ન માફી મળી કે સજા પણ ન પામ્યા !

નથી રૂપ ઝાંખું થયું કે નજર, પણ

અલગ છે હજુ કોઇ દર્પણ ન પામ્યા !

રહી સાવ નિર્જન હવેલી, હ્રદયની

કદી કોઇની આવ-જા પણ ન પામ્યા !

રહ્યો એ જ અફસોસ કે જિંદગીભર,

અમસ્તા અમસ્તા ય, શ્રાવણ ન પામ્યા !

દયા ખાય છે દુશ્મનો પણ અમારી

અમે, દોસ્ત જેવું ય સગપણ ન પામ્યા !

ઘણીવાર એવી દશા ભોગવી છે.

કે છેલ્લે સુધી કોઇ કારણ ન પામ્યા !

કરી છે બધાએ ઉપેક્ષા જ કાયમ,

મરણ બાદ તેથી જ, ખાપણ ન પામ્યા !
ડૉ. મહેશ રાવલ

ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2010

પૂજારી જોઈએ.

પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,

બસ હૃદય વરચે કટારી જોઈએ.

શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,

બેઉ પણ માટે પૂજારી જોઈએ.

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,

એમના ઘરમાંય બારી જોઈએ.

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,

દીકરા જેવો મદારી જોઈએ.

એ અગાસીમાં સૂતેલાં હોય તો

ચાંદ પર મારે પથારી જોઈએ.
- મૂકેશ જોશી