શનિવાર, 1 ઑગસ્ટ, 2009

Freandship Day

કારકિર્દીમાં સારા મિત્રો ઘણા મદદરૃપ થઇ પડે છે. સારા મિત્રો કારકિર્દીમાં મોટો ફાળો ભજવતા હોય છે અને કારકિર્દીના ખરાબ દિવસોમાં પ્રોત્સાહન આપી હિંમત આપવાનું કામ કરતા હોય છે. સારા મિત્રો વ્યક્તિને ખરાબ રસ્તે જતી અટકાવે છે અને ખરાબ આદતોમાંથી મુક્ત કરાવવાનું પણ કામ કરે છે. મિત્રતા ટકાવવી એ ખૂબ જ કઠીન કામ છે કારણ કે કહેવાતા મિત્રો, વ્યવસાયમાં સ્વાર્થ માટે થયેલા મિત્રો અથવા સામાજિક મોભા માટે બનેલા મિત્રો લાંબા સમય ટકતા નથી.
મિત્રતા ટકાવવા માટે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખો
(૧) એક તરફી વ્યવહારથી દૂર રહો. એક તરફી સ્વાર્થી મિત્રતા ટકતી નથી. જ્યારે તમે તમારા મિત્ર પાસે આશા રાખો છો ત્યારે તમારા મિત્રો પણ તમારી પાસે તેવા જ વર્તન અને મદદની આશા રાખતા હોય છે. ઘણી વ્યક્તિઓ એક તરફી જ સારા વ્યવહારની આશા રાખે છે અને પોતે કશું કરવા તૈયાર નથી હોતા. આવા સમયે મિત્રતા ટકતી નથી.
(૨) તમારા સ્વાર્થ ખાતર, અભિમાન ખાતર મિત્રને બદનામ ના કરો. અમુક વ્યક્તિઓ પોતે પોતાના મિત્ર કરતાં વધારે સારા છે એવું પુરવાર કરવામાં મિત્રને બદનામ કરતા હોય છે. ખાસ કરીને બે યુવાનો વચ્ચે એક યુવતી મિત્ર બને અને એક યુવાનને એકતરફી પ્રેમ થઇ જાય ત્યારે તે ઘણી વખત તે યુવતીને પામવા માટે પોતાના જ મિત્રનું ખરાબ બોલે. આ સાચી મિત્રતા નથી. સ્વાર્થ અને દંભ ઉપર રચાયેલી મિત્રતા ટકતી નથી.
(૩) મિત્રમાં રસ લો પણ તેના જીવનમાં ડખલરૃપ ના બનો ઃ મિત્રમાં રસ લેવો તે અગત્યનો ગુણ છે પરંતુ ઘણીવખત આ રસ જ્યારે ડખલરૃપ બની જાય ત્યારે મિત્રતા ટકતી નથી. વ્યવસાયી મિત્રની ઓફીસમાં જાવ ત્યારે તેના કાર્યમાં રસ લો પરંતુ તેનું કાર્ય બગડે, તેનો સમય બગડે તે રીતે ના વર્તો. મિત્રની તકલીફમાં રસ લો પરંતુ તે તકલીફને દૂર કરવા તમારા જ વિચારો અથવા રીતો ઠોકી બેસાડવાનો પ્રયત્ન ના કરો. ''હું કહું તેમ જ તારે કરવાનું છે'' - આ જીદ મિત્રતા માટે ભારરૃપ બની જાય છે. મિત્રની કમાણી અને તેના ખર્ચાઓ વિષે પ્રશ્નો પૂછવાની આદત ખરાબ છે. તે સારું કમાતો હોય તો તેના માટે ખુશી જાહેર કરો પણ તે કેટલું કમાય છે, કેવી રીતે કમાય છે તે જાણવાની જિજ્ઞાાસાને કાબુમાં રાખો.
(૪) મિત્રને આડે રસ્તે જતો અટકાવો - મિત્રતા તોડી ના નાખશો ઃ દરેક વ્યક્તિનાં જીવનમાં એક ખરાબ તબક્કો આવી જતો હોય છે. તમારા મિત્રને ખરાબ આદત હોય તો તેમાંથી તેને મુક્ત કરાવવાનાં પગલાં લો પરંતુ તેની સાથેના સંબંધો કાપી ના નાખો. તે જ પ્રમાણે મિત્રનો ખરાબ સમય ચાલતો હોય અને તમે પ્રગતિ કરી રહ્યા હો ત્યારે મિત્રથી વિમુખ થશો નહીં.
(૫) મિત્રપત્ની અથવા સખીના પતિમાં વધારે રસ ના લો ઃ વહેમની કોઇ જ દવા નથી. વ્યક્તિ જ્યારે વહેમનો શિકાર બને છે ત્યારે નકારાત્મક વિચારો વધારે આવે છે. જ્યારે મિત્ર કરતાં તેના જીવનસાથીમાં વધારે રસ લેવામાં આવે અથવા તેનો પક્ષ વધારે પડતો લેવામાં આવે ત્યારે ગેરસમજ પેદા થઇ શકે છે. ઘણી વ્યક્તિઓ પોતાનું આ દુઃખ પ્રગટ કરી શકતા નથી અને પરિણામે તેઓ હતાશ રહે છે અને ઘણી વખત પોતાના જીવનસાથીને અન્યાય કરે છે. આ મિત્રતા માટે પણ ઘાતક પૂરવાર થાય છે.
(૬) મિત્રના સંપર્કમાં રહો ઃ આજના જમાનામાં વ્યવસાયને કારણે મિત્રોને ઘણા દૂર અથવા જુદા જુદા શહેરો કે દેશોમાં રહેવું પડતું હોય છે. ફોન-ઈ-મેઇલ અથવા પત્રો દ્વારા હંમેશ સંપર્ક રાખો. જ્યારે સંપર્ક રહેતો નથી ત્યારે મિત્રતામાં ઓટ આવી શકે છે અથવા હાજર રહેવાના પ્રસંગોએ હાજરી આપી શકાતી નથી.
(૭) મિત્ર સાથે પૈસાની બાબતમાં સ્પષ્ટ રહો ઃ હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની. આ વાત જીવનમાં યાદ રાખવી ખૂબ જરૃરી છે. મોટા ભાગના સંબંધો પૈસાને કારણે જ બગડતા હોય છે. બે સગા ભાઇઓ પૈસાને કારણે દૂર થઇ જતા હોય તો મિત્રતા પણ ક્યાંથી ટકે? માટે જ મિત્રો સાથે પૈસા માટે ગેરસમજ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.
(૮) મિત્રતામાં લાગણીઓનો ગેરલાભ ના લો ઃ ઘણી વ્યક્તિઓ પોતાના મિત્ર પાસે કામ કરાવી લેવા માટે લાગણીઓનો લાભ લેતા હોય છે. ઈમોશનલ બ્લેકમેઈલીંગથી કામ કઢાવી શકાય છે પરંતુ સંબંધોમાં અંતર પડી જાય છે તેનું ધ્યાન રાખવું જરૃરી છે. સંબંધો રબર-બેન્ડ જેવા છે. વધારે પડતી ખેંચવાથી રબર-બેન્ડ તૂટી જાય છે.
(૯) તમારા મિત્રનું માન જળવાય તેનું ધ્યાન રાખો ઃ તમારા સંતાનો દ્વારા, નાના યા મોટા કુટુંબીજનો અને કર્મચારીગણ દ્વારા તમારા મિત્રનું માન જળવાય તેની પૂરતી કાળજી લો.
(૧૦) મિત્રના કુટુંબ સાથે પણ પોતાના કુટુંબ જેવું વર્તન રાખો ઃ મિત્ર પોતાના કુટુંબમાં સુખી રહે તે પ્રમાણે પ્રયત્ન કરો. તેની ગેરહાજરીમાં તેના કુટુંબીજનોનો સંપર્ક રાખો અને મદદની જરૃર હોય તો તે માટે તૈયાર રહો. મિત્રના કુટુંબમાં કંકાસ હોય તો તેને દૂર કરવા પ્રમાણિકપણે પ્રયત્ન કરો. મિત્રતા કરવી સહેલી છે તેને જાળવી રાખવી અઘરી છે.- રોહિત પટેલ