‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’‘એ જ કે હું કદી પરણીશ નહિ.’
*
‘જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !’ રમાએ તેના પતિ કિશોરને કહ્યું.‘પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?’ કિશોરે કહ્યું.‘કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?’
*
પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતાં.પતિ બરાડ્યો : ‘મારામાંના પ્રાણીને જગાડ નહિ !’પત્ની : ‘ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે !’
*
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’ટ્વિન્કલ : ‘Ba’શિક્ષક : ‘સોડિયમનું ?’ટ્વિન્કલ : ‘Na’શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’ટ્વિન્કલ : ‘Banana સર !’
*
માલિક : ‘હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?’ઉમેદવાર : ‘ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.’
*
ઊંચી ટાંકી પાસે જઈને એક ભાઈએ પાણી પીવા નળ ખોલ્યો. નળમાંથી એક ટીપું પણ ન નીકળ્યું.ભાઈ નિરાશ થયા.તેમણે ઉપર જોયું તો એક પાટિયું લગાવેલું હતું.તેમાં લખ્યું હતું : ‘BJP’ (બીજે પી !!)
*
પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો મયંક બોલ્યો : ‘માલતી, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે આ ગાડી જરૂર પકડી શકત.’‘હા,’ મયંકની પત્નીએ કહ્યું : ‘અને તેં જો મને આટલી બધી ઉતાવળ ન કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી ન પડત.’
*
છગન : ‘હું કોફી પીઉં તો સૂઈ ના શકું.’મગન : ‘અલ્યા મારું તારાથી બિલકુલ જ ઊંધું છે. હું સૂતા પછી કૉફી નથી પી શકતો !’
*
મગને ચંપલ ખરીદ્યા પછી દુકાનદાર પાસે નવા વર્ષના કૅલેન્ડરની માગણી કરી ત્યારે દુકાનદારે કહ્યું : ‘આવતે મહિને ચંપલ ખરીદ્યાનું બિલ બતાવીને કૅલેન્ડર લઈ જજો.’‘જો બિલ ખોવાઈ જશે તો ચંપલ બતાવીને લઈ જઈશ.’
*
વૈદ્ય : ‘કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.’કાકા : ‘તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.’
*
એક કવિ તેના મિત્રને કહેતો હતો : ‘મેં જાતે મારો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો છે.’‘સારી વાત છે. કાંઈ વેચાણ થયું ?’‘હા, બધી જ ઘરવખરી વેચી દેવી પડી. હવે મકાન વેચવા કાઢ્યું છે !’
*
નોકર : ‘હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !’શેઠ : ‘અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….’નોકર : ‘લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !’
સંકલિત