શુક્રવાર, 19 જૂન, 2009

કથા

મન લાગે ત્યાં સુખ
હિમાલયની તળેટીમાં સહજાનંદ નામના એક મોટા તપસ્વીનો આશ્રમ હતો. તેમના શિષ્યો પણ તેમના જેવા ત્યાગી અને જ્ઞાની હતા. એકવાર મગધના રાજાએ તપસ્વીને આમંત્રિત કર્યા. પહેલા તો તપસ્વીએ ઇનકાર કર્યો. પરંતુ રાજાએ વારંવાર આગ્રહ કરતાં આમંત્રણ સ્વીકાર્યું. મગધમાં તપસ્વી અને તેમના શિષ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એક મહિના બાદ તપસ્વીએ પાછા આશ્રમ જવાની ઇચ્છા પ્રગટ કરી. રાજાએ થોડું વધારે રોકાવા આગ્રહ કર્યો. રાજાના પ્રબળ આગ્રહ સામે તપસ્વી ઢીલા પડ્યા. તપસ્વીનું મન વારેવારે આશ્રમ અને શિષ્યોને યાદ કરતું હતું. મગધમાં તપસ્વીની તબિયત લથડી. રાજાએ વૈદોની ફોજ ખડી કરી દીધી. પણ તપસ્વી સાજા ન થયા. છેવટે તેમના આગ્રહને કારણે રાજાએ આશ્રમ જવા દીધા. થોડા દિવસો પછી રાજા જ્યારે તપસ્વીની તબિયત જોવા આવ્યા ત્યારે તપસ્વીને તંદુરસ્ત જોઇને નવાઇ સાથે કહ્યું. મેં આપની દવા કરાવવામાં કોઇ કસર રાખી નહોતી, છતાં તમે ત્યાં સાજા ન થયા અને અહીં આવીને આટલા જલદી કેવી રીતે સાજા થઇ ગયા? ત્યારે તપસ્વી હસીને બોલ્યા,’હું તપસ્વી છું, એટલે સુખ-સુવિધા મને સાજો કરવાને બદલે માંદો જ પાડશે. ત્યાં તમારા સૈનિકો કર્તવ્યના ભાગ રૂપે મારી સેવા કરે, પણ અહીં શિષ્યો તો પ્રેમ અને શ્રધ્ધાપૂર્વક સેવા કરે છે, જેમાં કોઇ દેખાડો કે ભય હોતો નથી. એટલે મારું મન જ્યાં લાગે એવા આ નિર્મળ માહોલમાં મારા આત્માને સંતોષ મળે છે. એટલે મારી માંદગી જતી રહી. રાજન, જ્યાં મન લાગે ત્યાં જ સુખ મળે છે.

મંગળવાર, 16 જૂન, 2009

લોકકથા

એક લોકકથા
એક માદા શિયાળ બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. શિયાળના આ બચ્ચાને એક સિઁહણ એની સાથે લઇ ગઇ અને પોતાના શિશુ સાથે જ ઉછેર્યુઁ. બધા સાથે રહે, સાથે રમે અને તોફાન પણ કરે. સિઁહ- શિયાળનો ફરક એ બચ્ચાઓમાં દેખાતો નહિ.
પણ, એક દિવસ જંગલમાં એમની સામે હાથી આવ્યો. સિંહના બચ્ચાં તો હાથીનો શિકાર કરવા નહોર તૈયાર કરવા લાગ્યા. પણ શિયાળનું બચ્ચું ડર પામીને ભાગી ગયું. તેણે સિંહણ માતાને કહ્યું, ‘મોટાભાઇ તરીકે મેં આપેલી શિખામણ નાના ભાઇઓએ સ્વીકારી નહિ. હવે શું થશે?’
સિંહણે કહ્યું કે એમાં તારો વાંક નથી. તું મને ધાવીને ઉછર્યું છે. પણ મૂળ પ્રકૃતિ કેવી રીતે દૂર થાય?
તું વીર છે, ચતુર છે, વિદ્વાન છે, દેખાવડો પણ છે; પરંતુ જે કુળમાં તું જન્મ્યો છે તે કુળના લોકો હાથીને હણી નથી શક્તા.
માત્ર એક સાથે રહેવા કે ઊછરવાથી સમાન નથી બની શકાતું.