બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010
ગઝલ
સૌ ગણે સુજ્ઞ પોતપોતાને !
વ્યગ્ર છે વાત સૌ કહેવાને,
પણ ધરે કોણ વાતને કાને ?
‘રામ’ બોલીને ચૂપ થઈ જાશે,
બસ પઢાવ્યું છે એ જ તોતાને !
ચમકી ચમકીને કેટલું ચમકે ?
સૌ ધૂએ છે ઘસી મસોતાને !
ક્યાં સુધી રસ પછી મળે મુજને ?
ચાવતો બસ રહું છું છોતાને !
આ ગઝલ અન્ય કૈં નથી ‘સુધીર’
દર્દનો દઉં હિસાબ શ્રોતાને !
-સુધીર પટેલ
સોમવાર, 8 ફેબ્રુઆરી, 2010
ચિંતા ટાળી ચિંતન કરીએ
ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’
સફળતા પામવામાં કેટલાંક પરિબળો નડતરરૂપ નીવડે છે. તેમાં ચિંતાનો ક્રમ પહેલો છે. માણસ કાલ્પનિક ભયથી ડરીને ચિંતા કરે છે ને ક્રમશ: તે નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને બધે જ બધું જ નકામું દેખાય છે. તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ‘હું તો નકામો છું, મારાથી આ તો થાય જ નહિ. આ મારી શક્તિ બહારની બાબત છે….’ આવું આવું વિચારીને તે નિષ્ક્રિય બેસી રહે છે. વધુ વિચારો કરવા માંડી વાળવાથી બહુ રાહત રહે છે. કામમાં પરોવાયેલા રહેવું. બહુ વિચારો કરવાથી મગજ બહેર મારી જાય છે ને ચિંતિત બની જવાનો ભય રહે છે.
કાલ્પનિક મુશ્કેલીથી માણસ ડરી જાય છે. સોમવારે મારા પર આફત ત્રાટકશે એમ કલ્પી લઈને માણસ ગુરુવારથી જ ચિંતાના દબાણ હેઠળ આવી જાય છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ – આમ એના ચાર દિવસ નિષ્ક્રિયતામાં વીતે છે. પછી સોમવારે એના પર આફત ન ત્રાટકે ત્યારે એને એમ થાય છે કે હું નાહકનો ડરી ગયો હતો. જેમ પડશે તેમ દેવાશે એવું મનોવલણ કેળવીને માણસે મુક્ત રહેવું જોઈએ. પ્લિની કનિષ્ઠના મતે – ‘દુ:ખની તો સીમા હોય છે, જ્યારે ચિંતા અસીમિત હોય છે.’ ચિંતાથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ ગુમાવતો થાય છે. ચિંતા એને ગળી જાય છે અને કેરીના ગોટલા જેવો કરી નાખે છે. ચિંતા વિશે ગાંધીજી કહે છે કે – ‘રચનત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિંતા ઈચ્છનીય છે પણ જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અનિચ્છનીય છે કારણ કે પછી તો તે પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.’
માણસ ધ્યેય વગરનો બને ત્યારથી તેનું સાચું જીવન સમાપ્ત થઈ ગયેલું જાણવું. પશુ-પક્ષીઓને ખાવા-પીવાનું ને પ્રજનનનું જ ધ્યેય હોય છે, આપણે મનુષ્યો આ ધ્યેયને ગૌણ ગણી બીજાના હિતનો પણ વિચાર કરીએ છીએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે એમ માનીએ છીએ. ચિંતા કરો પણ સચ્ચારિત્ર્યની અને ઉન્નતિની કરો. હકારાત્મક અભિગમ કેળવો ને આગળ વધતા રહો. જ્યારથી તમે અન્યના સુખનો વિચાર કરીને જીવવા માંડશો ત્યારથી તમારું જીવન ઉન્નતિને પંથે ગતિ કરશે એમ માની લેજો. ચારિત્ર્યનું જતન કરવામાં જરાય પાછી પાની ન કરતા. તમારું મૂલ્ય લોકો તમારા સચ્ચારિત્ર્યને જોઈને-અનુભવીને કરતા રહેશે. મૂઢ બનીને બેસી ન રહેશો. ઉન્નતિ કરવા મથતા રહેજો. આર્થિક ઉન્નતિ અમુક હદ સુધી બરાબર છે પણ ખરી ઉન્નતિ તો લોકકલ્યાણનાં કાર્યો કરવાથી થાય છે. પીડિત લોકોની વહારે ધાતાં શીખો. એમની પીડા તમે ઓછી કરી શકો, દૂર કરી શકો એ તમારી ખરી કમાણી છે.
તમે મહાપુરુષોની રહેણીકરણી તપાસશો તો તરત સમજાશે કે તેઓ સદા લોકોના હિત ખાતર જ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન, સમય વાપરે છે. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કશી માલમિલકત ન હતી. એમણે તો પોતાની જાતને દેશના હિત ખાતર સમર્પી દીધી હતી. રવિશંકર મહારાજને પણ ક્યાં કશી સંપત્તિ હતી ! ને તોય હજારો-લાખો લોકોનાં હૃદયમાં તેમનું ઊંચેરું સ્થાન હતું અને છે. ચિંતા કર્યા કરવામાં સમય વેડફવાની જરૂર નથી. બેરિયલ ફિજર કહે છે તેમ : ‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’
કાર્યરત રહેવામાં ખરી મજા છે. નાનુંમોટું કામ હાથ પર લીધા કરવાની ટેવ કેળવો. તેને કાળજીથી પાર પાડવા મથ્યા કરો. પછી ચિંતા આપોઆપ ગાયબ થઈ જશે. ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે અને માણસને નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. કોરી ટેન બૂમ સાચું જ કહે છે કે – ‘ચિંતા આપણી આવતી કાલનો વિષાદ ઘટાડવાથી નથી પણ એ આપણી આજની શક્તિમાં ઘટાડો કરે છે.’ ધર્મગ્રંથો એવો જ ઉપદેશ આપે છે કે તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે.
– ડૉ. મોહનભાઈ પટેલ