કોઈએ એવી ટકોર કરી છે કે, સૌથી કાતિલ ઝેર માતાના ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. ટકોર સગા ભાઈઓના સંદર્ભમાં છે. સગાં ભાઈ-બહેનો વચ્ચે જે જાતના ઝઘડાઓ જોવા મળે છે એવા ઊતરતી કક્ષાના ઝઘડાઓ અજાણ્યાઓ વચ્ચે પણ જોવા મળતા નથી. એક હાથ જમીન માટે કે એકાદ દીવાલ કે શેઢા માટે ભાઈઓ ખુવાર થઈ ગયાના દાખલાઓ જોવા મળે છે. માતાપિતાના મૃત્યુ પછી ભાગ વહેંચતી વખતે નાનકડી ગોદડીના પણ ભાગ પાડ્યાના દાખલાઓ જાણવા મળ્યા છે.
જેની સાથે જિંદગીનાં અનેક વર્ષો ગાળ્યાં હોય, જેને મૂકીને પોતે કોઈ સારી ચીજ ખાધી ન હોય કે વાપરી ન હોય, જેને સામાન્ય તાવ આવ્યો હોય તો પણ પોતે આખી રાતનો ઉજાગરો કર્યો હોય, એવા વ્હાલસોયા ભાઈ તરફ એકાએક માણસ કેમ આટલો નઠોર, નિર્દય, નાસમજ બની જતો હશે ? માર્કસવાદીઓ કહેશે : ‘મૂડી’; દરેક સંબંધોના મૂળમાં પૈસા – અર્થ મુખ્ય ભાગ ભજવે છે.
ઠીક છે. પણ આ વાતને બીજી એક બાજુ પણ છે. મારા એક મિત્ર વેપારી છે, બાહોશ છે, પૈસાદાર છે. એમને માત્ર એક જ વાતનો વસવસો છે. એમને કોઈ સગો ભાઈ નથી. ઘણીવાર અફસોસથી એ કહે છે : ‘મારે જો એક ભાઈ હોત !’‘તો ?’ મેં એકવાર એમને પૂછ્યું હતું.‘તો અમે બન્ને જણ થઈને બિઝનેસનો કેટલો વિકાસ કરી શકત ! હું એકલો છું એટલે નવું કોઈ સાહસ કરવું હોય તો મન પાછું પડે છે. એકલે હાથે કેટલું કેટલું થાય ? બાજુમાં કોઈ ટેકો દેનાર હોય તો….’ મને કહેવાનું મન થઈ ગયું હતું કે, સગા ભાઈઓ ટેકો દેવાના બદલે મોટા ભાગે ટેકો ખસેડી લેવાનું કામ કરતા હોય છે. પણ એમને એમ કહેવાનો કશો અર્થ નહોતો કારણ કે, એમને ભાઈ નહોતો, ભાઈ વિષેની માત્ર કલ્પના એમના મનમાં હતી. અને ભાઈના અભાવમાં ભાઈ હોય તો કેવો હોય, અને ભાઈ મળવાથી પોતાને શું શું મળી શકે તેનું એક ચિત્ર તેમણે દોર્યું હતું. અને તેમના માટે એ ચિત્ર સાચું હતું.કોઈ વસ્તુ આપણી હોય છે ત્યારે નહિ, પણ તે નથી હોતી ત્યારે જ આપણને તેના સાચા સ્વરૂપની ખબર પડે છે. દાંત હોય છે ત્યારે માણસ દાંતની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે આંખોની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે તંદુરસ્તીની કિંમત તેને સમજાતી નથી. એ જ રીતે ભાઈ હોય છે, એને ભાઈ એટલે શું તેની કિંમત સમજાતી નથી. જ્યારે જે વસ્તુનો અભાવ હોય, અથવા તો અભાવ ઊભો થાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાય છે. બહુ વિચિત્ર લાગે તેવી આ હકીકત છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ ખરેખર કેવી છે તેની ખબર તે ન હોય ત્યારે જ પડે છે. એટલે, જ્યારે તમે કોઈ ઉપર નારાજ થાઓ, કોઈની સાથે લડવા ઝઘડવા તૈયાર થઈ જાઓ, કોઈની કિંમત માંડવા ઉત્સુક થઈ જાઓ, ત્યારે તે વ્યક્તિ કેવી છે કે તમને કેવી લાગે છે, તેનો વિચાર કરવાના બદલે તે ન હોય તો તેની કેવી અસર પડે તેનો વિચાર કરજો – તેની ખરી કિંમત તો જ તમને સમજાશે.
ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2010
અભાવ : એક કસોટી પથ્થર – મોહમ્મદ માંકડ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)