સૃષ્ટિના આરંભે માત્ર સત હતું. એક અને અદ્વિતિય. એમાંથી તેજ પ્રગટ્યું. તેજમાંથી જલ પ્રગટ્યું અને જલમાંથી અન્ન બન્યું. ખાધેલું અન્ન ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. અન્નનો જે અત્યંત સ્થૂળ અંશ છે, એમાંથી મળ બને છે. જે મધ્યમ અંશ છે, એમાંથી માંસ બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેમાંથી મન બને છે. (આમ મનની ગતિને અન્નની ગુણવત્તા સાથે સીધો સંબંધ છે. અન્ન વગર મન મૂઢ બની જાય છે. મનને શાંત રાખવા મસાલા, કાંદા, લસણથી દૂર રહેવાની ઘણા ધર્મોએ શીખ આપી છે, એ પ્રદાર્થો મનમાં ઉત્તેજના પેદા કરે છે.)
પીધેલું પાણી ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. પાણીનો જે અત્યંત સ્થૂળ અંશ છે, તેનું મૂત્ર બને છે. જે મધ્યમ અંશ છે, તેનું રક્ત બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેનો પ્રાણ બને છે. (આથી જ પાણી વગર પ્રાણ ટકી શકતો નથી.)
ખાધેલું તેજ ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. તેજનો અત્યંત સ્થૂળ અંશ છે તેમાંથી અસ્થિ બને છે. જે મધ્યમ અંશ છે, તેમાંથી મજ્જા બને છે. જે અત્યંત સૂક્ષ્મ અંશ છે તેમાંથી વાણી બને છે.
આમ, મન અન્નમય છે, પ્રાણ આપોમય (જળમય) અને વાણી તેજોમય છે.
www.readgujarati.com