સોમવાર, 14 માર્ચ, 2011

કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ


જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે
, એની ખબર હોવી જોઈએ


પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ


બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ


હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ
, કે મોટી કબર હોવી જોઈએ ?


સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ


ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ
,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ

- રઈશ મનીઆર