શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

પતિ-પત્નીના જોક્સ

હાસ્યની દુનિયામાં આપનું સ્વાગત છે....
એક ભિખારી : હે સુંદરી, આંધળો છું. મને દસ રૂપિયા આપીશ?
પતિ (પત્નીને): આપી દે...આપી દે. તને સુંદરી કહે છે તો જરૂર આંધળો જ હશે.
*
પોલીસ (મધરાતે જતા દારૂડિયાને પકડતા) : અલ્યા ક્યાં જાય છે?
દારૂડિયો : હું ‘દારૂની માઠી અસરો’ વિશે ભાષણ સાંભળવા જાઉં છું.
પોલીસ : મધરાતે તારા માટે કોણ ભાષણ કરશે?
દારૂડિયો : મારી પત્ની.
*
પતિના ગળે પોતાના હાથ નાખી પતિને વળગીને પત્ની બોલી : કેવું લાગે છે?
પતિ : ભગવાન શંકર જેવું...
પત્ની : એ કેવી રીતે?
પતિ : ભગવાન શંકરને સાપ વીંટળાયા હતા એવું.
*
રસિક : મારી પત્ની બહુ હોશિયાર છે. તે કોઇપણ વિષય પર કલાકો સુધી બોલી શકે છે.
હસમુખ : મારી પત્ની એથી પણ હોશિયાર છે. તે કોઇ વિષય વગર પણ કલાકો સુધી બોલી શકે છે.
*
સવાલ : તમે કોઇને તેની ભૂલ માટે અભિનંદન ક્યારે આપો?
જવાબ : તેના લગ્ન થાય ત્યારે.
*
એક માણસ : મારી પત્ની તો દેવદૂત છે દેવદૂત !
બીજો માણસ : તું નસીબદાર છે, મારી પત્ની તો હજી જીવે છે.
*
પુત્ર : પપ્પા, આપણી પોતાની ભાષાને માતૃભાષા કેમ કહેવાય છે?
પપ્પા : કારણ કે ઘરમાં જે બોલે તેને માતા કહેવાય અને જે મૌન હોય તે પિતા હોય એટલે.
પુત્ર : તો આપણા દેશને માતૃભૂમિ કેમ કહેવાય અને પિતૃભૂમિ કેમ નહિ?
પપ્પા : હવે બધે રાજ મમ્મીઓનું ચાલે છે એટલે...
*
પતિને નોન-વેજ ખાવાનો શોખ હતો. પત્ની સામાન્ય રીતે નોન-વેજ બનાવવાની ના પાડતી. દસમી લગ્નતિથિએ પત્નીએ પતિને ખાતર નોન-વેજ બનાવવાનું વિચાર્યું.
પત્ની : કાલે તારા માટે ચિકન રાંધું?
પતિ : કેમ કાલે શું છે?
પત્ની : આપણી દશમી લગ્નતિથિ.
પતિ : આપણી ભૂલને માટે બિચારું ચિકન શું કામ સહન કરે?
*
કોર્ટમાં લગ્ન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગ્ન થઇ શકશે.
બંનેના લગ્ન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ ?
ઇન્દ્રદેવ બોલ્યા : લગ્ન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગ્ન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
*
પતિ-પત્ની એક કૂવા પાસે જાય છે.
પત્ની કહે,’કૂવામાં પૈસા નાખીને કરેલી ઇચ્છા સાચી પડે એવી માન્યતા છે.’
પતિએ પહેલાં તો વાતને હસી કાઢી. પણ પત્નીનો ખૂબ આગ્રહ હતો એટલે કમને તેણે ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને કૂવામાં નાખ્યો.
પછી તેણે પત્નીને એક સિક્કો આપ્યો. કૂવામાં સિક્કો નાખવા માટે પત્ની કૂવા તરફ ઢળી, તેનું બેલેન્સ ગયું અને તે ઊંધા માથે કૂવામાં પડી ગઇ.
પતિને નવાઇ લાગી. તે મનોમન બોલ્યો,’ કૂવામાં એક રૂપિયાનો સિક્કો નાખવાથી આટલી ઝડપથી ઇચ્છા ફળતી હશે એ તો મને ખબર જ નહોતી !’
*
એક દંપતીની દસમી લગ્નગાંઠ નજીક આવી રહી હતી. પતિ કે પત્ની બેમાંથી કોઇને ઍનિવર્સરી ઊજવવાનો મૂડ નહોતો. છતાં પતિએ પત્નીને પૂછ્યું,’આ વર્ષે આપણે ઍનિવર્સરીના દિવસે લોનાવાલા બાજુ ક્યાંક ફરવા જઇએ તો કેવું?
પત્ની કહે.’હું વારેઘડીએ લોનાવાલા જઇને કંટાળી ગઇ છું.’
પતિ કહે,’તો ચલ, હું એક અઠવાડિયાની રજા લઉં છું, આપણે કુલુ- મનાલી જઇએ.’
પત્નીએ જરાય ઉત્સાહ વિના કહ્યું,’મને મૂડ નથી.’
પતિ કહે,’ અરે જો તને ક્યાંય જવાનો મૂડ ન હોય તો કંઇ નહીં. તું પેલા દિવસે કહેતી હતીને કે પેલો હીરાનો સેટ ખૂબ ગમી ગયેલો? ચાલ, શું હું તને એ ડાયમંડનો સેટ ભેટ આપું તો ગમે?
પત્નીનો મૂડ જરાય સારો નહોતો એટલે મનગમતી જવેલરીની વાત સાંભળીનેય તેને કોઇ ફરક ન પડ્યો.
આખરે પતિ કંટાળ્યો. તે કહે, “તો તને ખરેખર જોઇએ છે શું એ કહી દે.”
પત્ની કહે,”માગું એ આપશે?”
પતિ કહે, “ડિવૉર્સ સિવાય જે માંગવું હોય એ માંગજે.”
પત્નીના ચહેરા પર સહેજ ચમક આવી. “શું ખરેખર તમે મને ડિવૉર્સ નથી આપવા ઇચ્છતા? હું તમને એટલી ગમું છું?
પતિ કહે.”ના, ડિવૉર્સ આપી શકું એટલું બજેટ નથી.”

- સંકલન – રાકેશ ઠક્કર, વાપી

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

સમય બહુમૂલ્ય છે

સમય ક્યારેય ઘરડો નથી થતો. સમયના ચહેરા પર ન તો ક્યારેય કરચલી પડે છે, ન તો સુસ્તી આવે છે. ઊલ્ટું તેના ચહેરા પર દિવસે દિવસે નિખાર આવે છે. સમય જો ઘરડો થતો હોત તો ક્યારના કબરમાં તેના પગ લટકી ગયા હોત. હા, તે બીજાને જરૂર ઘરડો કરી દે છે. સમય બહુમૂલ્ય છે, તેને વ્યર્થ ગુમાવશો નહિ. જો સમય એકવાર હાથથી નીકળી ગયો તો ફરીથી આવતો નથી. સમયની પૂજા કરો તો સમય તમને પૂજય બનાવી દેશે. તમે કહો છો, શું કરું, સમય કાપી રહ્યો છું. હું કહું છું, તમે સમયને શું કાપશો, સમય જ તમારી જિંદગી હરપળ કાપી રહ્યો છે.
- તરુણસાગરજી