શનિવાર, 31 ઑક્ટોબર, 2009

શાંતિપ્રાપ્તિનો કીમિયો

બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.