ગુરુવાર, 26 માર્ચ, 2009

krishna



તું કૃષ્ણ નામ બોલ,
ન બીજું કશું બોલ,
કૃષ્ણ નામ અમોલ.


તું કૃષ્ણ નામ જપ,
ન કર બીજી ગપ,
કૃષ્ણ નામ છે તપ.

કૃષ્ણ નામ છે સદ.
તું કૃષ્ણ નામ વદ,
ન બોલ અસદ,
તું કૃષ્ણ નામ ભણ,
ન બીજું ગણગણ,
કૃષ્ણ નામ છે શરણ
.

તું કૃષ્ણ નામ લખ,
ન બીજું નામ લખ,
કૃષ્ણ નામ અલખ
.

*તરુલતા પટેલ

બુધવાર, 25 માર્ચ, 2009

કુદરત

કયાં સુધી કરીશું વિકાસના નામે વિનાશ?

કયાં ગઇ આપણી કુદરત પ્રત્યેની કુમાશ?

કયાંથી થશે જંગલ વિના મંગલ આપણું?

ખુદનું ઘર બાળીને શાને કરો છો તાપણું?

- અનામી

geet kavita

આપણે તો એટલામાં રાજી

આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે

ક્યાંક એક કૂંપળ તો તાજી

આપણે તો એટલામાં રાજી
એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,

તો થાય, મળ્યું આખું આકાશ

એકાદું ગીત કોઈ મોસમનું ગાય

તો ય રોમ રોમ ઊણી પલાશ

એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે

ત્યાં રણઝણતી ઝાલરી વાગી

આપણે તો એટલામાં રાજી
પાણીની એકાદી છાલકમાં હોય કદી

રીમઝીમ રેલાતો મલ્હાર

છાતીમાં નાંગરેલ સપનામાં હોય

કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર

એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા

કોઈ પૂછે તો કહીએ કે હાજી

આપણે તો એટલામાં રાજી
RAMNIK SOMESHWAR

મંગળવાર, 24 માર્ચ, 2009

website gazal

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી