[1]ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’‘મેં એક વિચિત્ર શોધ કરી છે’ રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’
[2]હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું ? આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’
[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]