શુક્રવાર, 16 એપ્રિલ, 2010

‘સંતોષ વધુ તો સુખ વધુ’

સ્વતંત્ર આકર્ષક બંગલો, આંગણે શોભતી ત્રણ ગાડીઓ, સમાજમાં જામેલી પ્રચંડ પ્રતિષ્ઠા, શરીર પર ઝૂલતા અલંકારો, ત્રણ ફૅક્ટરીઓ, વરસે પાંચ કરોડનું ટર્ન-ઓવર. આ બધું તમને ‘સુખી’ જાહેર કરવા માટે પર્યાપ્ત છે. આવું બધું જેને ત્યાં હોય એ ‘સુખી’ જ હોય એવું તમારી આજુબાજુનો વર્ગ અચૂક માનતો હોય છે અને એટલા માટે જ એમાંના જેની પણ નજરે તમે ચડો છો એની આંખમાં તમે ‘સુખી’ તરીકે અચૂક પ્રતિષ્ઠિત થઈ જાઓ છો.
પણ મારે તમને વાત એ કરવી છે કે સમાજની નજરે ‘સુખી’ જાહેર થવું એ જુદું, સમાજ વચ્ચે ‘સુખી’ દેખાવું એ જુદું અને સાચા અર્થમાં ‘સુખી’ હોવું એ જુદું. સામગ્રીની વિપુલતા તમને સુખી જાહેર કરે છે જ્યારે સંતોષનો સદગુણ તમને સુખી બનાવે છે. સામગ્રીની અલ્પતાવાળાને સમાજ સુખી માનવા તૈયાર નથી જ્યારે સંતોષની કચાશવાળો ખુદ પોતાની જાતને સુખી માની શકતો નથી. નગ્ન સત્ય આ હોવા છતાં આજના માણસને કોણ જાણે કેમ, પણ સુખી બનવામાં એટલો રસ નથી, જેટલો રસ સુખી દેખાવામાં છે. શાંતિથી ઘરને ખૂણે બેસીને રોટલી, દાળ ખાવાનું ટાળીને અશાંતિ સાથે દોડતા દોડતા મીઠાઈ ખાવાના અભરખા એના વધુ છે. ‘સામગ્રી વધુ તો સુખ વધુ’ આ સૂત્રને જીવનનો ‘ટ્રેડમાર્ક’ બનાવવામાં એ જેટલું ગૌરવ અનુભવે છે એટલી જ હીણપતની લાગણી એ ‘સંતોષ વધુ તો સુખ વધુ’ નું સૂત્ર સાંભળતા અનુભવે છે.
આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ