એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ.. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. ઓરડામાં લાઈટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈને એ ઓરડામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો.‘કોણ ?’‘બેટા ! હું તારી મમ્મી !’‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?’‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.’‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી ?’‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.’‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !’‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?’ આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો.
‘લખી રાખો આરસની તકતી પર’ પુસ્તકમાંથી સાભાર
‘લખી રાખો આરસની તકતી પર’ પુસ્તકમાંથી સાભાર