ભદ્રાબહેન પતિ સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.પચાસ વર્ષનું એમનું દામ્પત્યજીવન. આટલા લાંબા ગાળા દરમિયાન પતિના કોઈ કથન કે વર્તન ઉપર એમને આટલું આશ્ચર્ય નહોતું થયું. રઘુનાથ બોલ્યા હતા : ‘ચાર ધામની યાત્રા માટે તૈયારી કરવા માંડો, યાત્રા રેલવેના ફર્સ્ટ કલાસમાં જ કરીશું, ક્યાંક ટૅક્સી. ઊતરવાનું સારી હૉટલમાં, સેવા-ચાકરી માટે મકનાને સાથે લઈશું.’ થોડી ક્ષણો માટે તો ભદ્રાબહેનને પતિ વ્યંગમાં બોલતા હોય એવું જણાયું. પોતે દિવસનો મોટો ભાગ દેવદર્શન અને કથા-વાર્તામાં ગાળતાં હતાં એટલે એમણે કદાચ આમ કહ્યું હોય.વ્યંગનો જવાબ આપતાં હોય એવા સૂરમાં ભદ્રાબહેન બોલ્યાં : ‘હવે તો જાત્રાએ જઈશું આવતે ભવ.’રઘુનાથ ગંભીરતાપૂર્વક બોલ્યા : ‘આપણા માટે હજુ કંઈ ઉંબરા ડુંગરા નથી થયા. રેલવેનાં રિઝર્વેશન મેળવી લીધાં છે. તમતમારે તૈયારી કરવા માંડો. પહેલી તારીખે નીકળવાનું છે.’
અને નિર્ધારિત દિવસે યાત્રા શરૂ પણ થઈ.હજુ ય ભદ્રાબહેનનો વિસ્મય શમતો નહોતો. કદીયે મંદિરમાં ન જતા કે પૂજાપાઠથી હંમેશાં દૂર રહેતા રઘુનાથ આટલી લાંબી યાત્રા માટે આમ એકાએક તૈયાર શી રીતે થયા ? મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન એક પળે તો ભદ્રાબહેને પતિને પૂછી જ નાખ્યો :‘હેં ભલા, તમે ઘર આંગણામાં કોઈ મંદિરને પગથિયે તો કદી ચડ્યા નથી અને આમ કાશી-મથુરા કરવાનું મન કેમ થયું ?’રઘુનાથે ઉડાઉ જવાબ આપ્યો : ‘ભાગ્યમાં યાત્રા નિર્મિત થઈ હશે એટલે નીકળવાનું સૂઝ્યું, બીજું શું ?’ અને એ બારી-બહાર તાકી રહ્યા હતા.
રઘુનાથના મનમાં કશુંક ઘોળાતું હતું. થોડા કિલોમિટર પસાર થયા. એ પછી કોઈ સહજ વાત કરતા હોય એમ બોલ્યા : ‘માણસે અણુનું વિભાજન કરીને અપાર શક્તિ પેદા કરી.’‘કાળા માથાનો માનવી શું નથી કરી શકતો ?’ ભદ્રાબહેને સૂર પૂરાવ્યો.‘ઈચ્છે તો અણુભઠ્ઠીઓ ઊભી કરીને એમાંથી અઢળક વીજળી મેળવી શકે અને ઈચ્છે તો એમાંથી બૉમ્બ બનાવીને એક ક્ષણમાં એક લાખ માણસોનો ખાત્મો બોલાવી શકે.’ રઘુનાથે થોડી ક્ષણો સુધી મૌન ધારણ કર્યું. પછી એ બોલ્યા : ‘માનવીના વેણનું પણ એવું જ હોં, ભદ્રા !’ ભદ્રાબહેન રઘુનાથ સામે જોઈ રહ્યાં. એમને લાગ્યું કે પતિના હૈયામાં કશુંક વલોવાઈ રહ્યું છે, પણ કહેતા નથી.રઘુનાથે આગળ ચલાવ્યું : ‘માનવીનું વેણ ક્યારેક તો ભર્યો દારૂગોળો. ઈચ્છીએ તો એનાથી ભડકો કરીને ઘર બાળી દઈ શકીએ અને ઈચ્છીએ તો એને આતશબાજીમાં ફેરવીને આકાશને રંગોથી ભરી દઈ શકીએ.’
રઘુનાથે પુત્રવધૂના વેણને દારૂગોળો બનાવીને ઘરની શાંતિને તારાજ ન કરી; એમણે તો એમાંથી આતશબાજી રચીને ચિત્તના આકાશને રંગોથી ભરી દેવા પ્રયત્ન કર્યો હતો. એક દિવસ પુત્ર શ્રવણ બનીને એની માને જાત્રા કરાવશે એવી રાહ જોઈને બેઠેલા રઘુનાથને પુત્રવધૂએ સંભળાવી દીધું હતું : ‘બાપુજી, બાને જાત્રાએ જવું હોય તો તમે જ લઈ જાવને, સમીર પાસે એવો ફાલતુ સમય પણ ક્યાં છે ?’
પુત્રવધૂનું આ વેણ ભદ્રાને કાને કદી ન પડે, એની કાળજી રઘુનાથ રાખી રહ્યા હતા.
મોહનલાલ પટેલ
[કુલ પાન : 228. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ-1]