ગુરુવાર, 29 એપ્રિલ, 2010

જો ગીતા કુરાન પર

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર

સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર

મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર

શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર

પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર
- હેમંત પુણેકર

સોમવાર, 26 એપ્રિલ, 2010

ઈશ્વર

ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે.

જોન ફુર્લ્ટન