મંગળવાર, 24 માર્ચ, 2009

website gazal

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

ટિપ્પણીઓ નથી: