મંગળવાર, 21 જુલાઈ, 2009

સોનેરી સુભાષિતો

સોનેરી સુભાષિતો
* સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ અને શત્રુ આટલાની ક્ષુદ્ર (સામાન્ય) ગણી કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી.
* વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.
* જે કાર્ય કરવાથી ભૂત, વર્તમાન ને ભવિષ્ય એ ત્રણ કાળે સ્થિર સુખ પ્રાપ્ત થાય, અર્થાત વધુ ઉદાર અર્થમાં મૃત્યુ પછી સ્વર્ગ મળે અને જીવતાં સ્થિર સુખ અને શુભકીર્તિ પ્રાપ્ત થાય એવાં જ કાર્યો કરવાની નાનપણથી ટેવ પાડવી.
* પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.
* આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

ટિપ્પણીઓ નથી: