શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2010

ફરી ક્યારેક…

ઘણીયે વાત બાકી છે પછી કરશું ફરી ક્યારેક

મજાનું મૌન છે, શબ્દોમાં ઓગળશું ફરી ક્યારેક…

બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,

જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…

હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,

ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…

નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,

ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…

અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,

જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક…
-અંકિત ત્રિવેદી

ટિપ્પણીઓ નથી: