* જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે. – ભગવતીચરણ વર્મા
* સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું. – મહાભારત
* ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન. – મોહમ્મદ માંકડ
* મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે – કાંતિલાલ કાલાણી
* સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ? – રત્નસુંદરવિજયજી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો