શુક્રવાર, 6 જાન્યુઆરી, 2012

ઠંડીને દૂર કરીશું !
લો ફરી આવી પહોંચી શિયાળાની ઠંડી ;
હવે શરીરે ના પહેરાશે એકલી બંડી !
વહેલી સવારે સ્કૂલે જવાનો આવે કંટાળો; 
તો ક્યારેક મારીશું ભાઇ સ્કૂલમાં દાંડી !
ઠંડીમાં પહેરવા પડશે સ્વેટર ને કોટ ;
હું તો લાગીશ આ કપડામાં બહુ જાડી !
ઠંડીમાં ઠંડું નહિ, ખાવું પડશે ગરમ ;
આઇસ્ક્રીમ ખાશું તો બૂમ પાડશે માડી !
ઠંડીનો સામનો કરવો મુશ્કેલ તો નથી !
ઠંડીને દૂર કરીશું, કસરત કરીશું દોડી !
- રાકેશ ઠક્કર

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011


તું હવે બસ એટલી સમજાય છે,
તું નથી તો રાત આ લંબાય છે.
એક પંખી જેવું બેસે ડાળ પર,
વૃક્ષ એકાએક લીલું થાય છે.  
સૂર્યને સત્કારવાના મોહમાં,
રાતની કાયમ ઉપેક્ષા થાય છે.
મૃગજળી માયા જ એવી દોસ્તો,
સૌ સમયની જાળમાં સપડાય છે.        
કૈં થવાનો છે અભરખો એટલો,
એક માણસ રોજ તૂટી જાય છે.
-પ્રવિણ શાહ

મંગળવાર, 8 નવેમ્બર, 2011


દિવાળી ન નાતાલ, ઇદ કે પતેતી થઇ
ગયો જ્યાં હંમેશા બધે નેતિ નેતિ થઇ
સદા ઠોકરોમાં ઠેલાતી રહી જિંદગી
વેરાઇ અને આખરે રેતી- રેતી થઇ
શરત એક તારા ભરોસે લગાવી હતી
કર્યો પ્રેમ ઇંકાર તેં, ને ફજેતી થઇ
હકીકતની સાથે જ અફવા ભળી ગૈ ઘણી
ને મારા વિશે વાયકાઓ વહેતી થઇ
સરસ મેઘ વરસી ગયા આંસુના આ વખત
ફસલ જે ઉગે તે યુગો બાદ ખેતી થઇ
- હરીશ ધોબી

મંગળવાર, 4 ઑક્ટોબર, 2011


જિંદગી તો  જોખમોનો સંગ જાણે,
રક્તને ત્વચાનો હો અનુબંધ જાણે.
લાગણીના ખેલ છે અસ્તિત્વ-લીલા,
ભૂલવાના એ પછી પ્રસંગ જાણે.
એક રત્નાકર ડહોળી સત્ય લાધ્યું,
આવરી
 અનૃત ઉભુંતું શંખ જાણે.
ભક્તને ભગવાનના તો ભેદ એવા,
શબ્દથી ઉચ્ચારનો સંબંધ
  જાણે.
ચિતરામણ કેટલાં કરશો સ્વપનમાં,
કીર્તિપણ જીવનનો ગમ્મત રંગ જાણે.

બુધવાર, 20 જુલાઈ, 2011

નથી કોઈની પણ

ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

- ડૉ. મનોજ એલ. જોશી મન

ગુરુવાર, 14 જુલાઈ, 2011

પીડા મજાની લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગ

રઈશ મનીયાર

બુધવાર, 22 જૂન, 2011

હમણાં હમણાં

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં,
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં.

કોનો એને સંગ થયો છે ખબર નહીં,
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં.

પહેલાં તો હું સૂરજ સાથે ફરતોતો,
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં.

તમે કોઇને ભૂલચૂકે ના ગાળો દેતાં,
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં.

સવાર મારી હત્યાથી લૂંટાઈ જાતી,
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં.

-મુકેશ જોશી

સોમવાર, 16 મે, 2011

પ્રેરક કથા

એક ખેડૂત હતો. એની પાસે જમીન હતી. બધો વ્યવહાર બહુ સારી રીતે ચાલતો હતો. કંઈ પણ કારણસર એની જમીન જતી રહી અને બીજે દિવસે એને ખેતમજૂર તરીકે કામ કરવાનો વારો આવ્યો. એ તો મન મૂકીને મજૂરી કરવા માંડ્યો. એક-બે વર્ષ કામ કર્યા પછી એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું : આજકાલ આપણે કેટલાં સુખી છીએ ! આખો દિવસ કામ કરીએ છીએ, પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતીપણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી ! આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ, ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા, આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે ! આપણું જીવન ધન્ય છે.

કહેવાનો અર્થ છે કે માત્ર શરીરથી તો કામ કરી લીધું, તો કામ કર્યા પછી તે પૂરું થઈ ગયું. પણ આપણે તેને ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કરીએ તો એ કામ સેવા બની જાય છે.

ટોલ્સ્ટોય

મંગળવાર, 19 એપ્રિલ, 2011

જીવનને સુંદર બનાવે એવા વિચાર

* જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે. ભગવતીચરણ વર્મા

* સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું. મહાભારત

* ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન. મોહમ્મદ માંકડ

* મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે કાંતિલાલ કાલાણી

* સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ? – રત્નસુંદરવિજયજી

સોમવાર, 14 માર્ચ, 2011

કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ


જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે
, એની ખબર હોવી જોઈએ


પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ


બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ


હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ
, કે મોટી કબર હોવી જોઈએ ?


સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ


ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ
,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ

- રઈશ મનીઆર

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પરિચયથી વધારે.

જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.


પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.


ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.


જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.


કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.


જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

- ગૌરાંગ ઠાકર

ગુરુવાર, 20 જાન્યુઆરી, 2011

વિચાર કણિકાઓ-2

સુ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે. એસ. ભટાચાર્ય

જીવનરીતિ ભલે સરળ-સાદગી ભરી હોય પરંતુ વિચારો તો સદા ઊંચા જ રાખવા જોઈએ. સર મિલ્ટન

જેમ વૃક્ષને તેના ફાલવાના યોગ્ય સમયે ફળ-ફૂલ લાગે છે તેમ માનવીનાં કર્મ ફળ એનો સમય પાકતાં માણસને મળે છે. સંત તુલસીદાસ

થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે તેમ જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મની શૃંખલા લાંબી લાગે છે. બુદ્ધ

કુટુંબમાં માણસની સ્વતંત્રતા, શિસ્ત, ત્યાગની કસોટી થાય છે કારણ કે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે, જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી છે. જી.કે. ચેસ્ટરટન

મેં કેવું આલીશાન ઘર બાંધ્યું તે નહિ પણ, મારું ઘર કેટલાં લોકોને માટે વિસામા રૂપ બન્યું, કેટલાંને આશ્વાસન મળ્યું, કેટલાંને ટાઢક, આત્મીયતા મળી, હૂંફ મળી એમાં જ ઘરની ભવ્યતા છુપાયેલી છે. કુન્દનિકા કાપડિયા

મંગળવાર, 4 જાન્યુઆરી, 2011

વિચાર કણિકાઓ

* દાન આપતી વખતે હાથમાં શું હતું તે નહીં પણ દિલમાં શું હતું તે જોવાનું છે. ફાધર વાલેસ

* પ્રાર્થના એ કંઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે. ગાંધીજી

* આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે. વિનોબા ભાવે

* ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે. ડૉ. ક્રાઉન

* ચિંતા, પરેશાની, તનાવ આ બધું પરિસ્થિતિ સામે લડવાથી દૂર થતાં નથી પણ આપણી અંદર રહેલી કમજોરીઓને દૂર કરવાથી જ નષ્ટ થાય છે. રહીમ

* તમારો ભય તમારી પાસે જ રહેવા દો, પણ તમારી હિંમત બીજાને પણ આપો. સ્ટિવન્સન

* વિચાર એ એક એવું પંખી છે, જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઊડવા માટે અશક્ત છે. ખલિલ જિબ્રાન

* તમને જે કંઈ જોઈએ છે તે બધું જ મળશે, સ્મિત વેરીને મેળવો, બળના જોરે કે તલવારના ઘાથી નહિ. શેક્સપિયર

* જે ઘરમાં માતા નથી, પત્ની કર્કશા, વહેમી અને ઉદ્ધત છે એવા પુરુષે તો વનમાં ચાલ્યા જવું કારણ કે તેને માટે ઘર અને વન સરખાં જ છે. ચાણક્ય

* હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહિ હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, મનોરંજનના સાધનો હશે પરંતુ એની કિંમત સાટે એમણે પોતાના મનની શાંતિને ગીરો મૂકી હશે. વિન્સ્ટન ચર્ચિલ

સોમવાર, 27 ડિસેમ્બર, 2010

ગઝલ સાહિત્યના કેટલાક યાદગાર શેર – ભાગ બીજો

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.

રઈશ મનીઆર

સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.

ગની દહીંવાલા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'
ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

અમૃત 'ઘાયલ'

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

મુકુલ ચોક્સી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

અંકિત ત્રિવેદી

ગુરુવાર, 23 ડિસેમ્બર, 2010

ગઝલ સાહિત્યના કેટલાક યાદગાર શેર

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

મનહરલાલ ચોક્સી

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

ગૌરાંગ ઠાકર

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ભગવતીકુમાર શર્મા

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

નયન દેસાઈ

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

રતિલાલ 'અનિલ'

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

જલન માતરી

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

બરકત વિરાણી બેફામ

ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.

અંકિત ત્રિવેદી

બુધવાર, 22 ડિસેમ્બર, 2010

એમ ક્યાં બોલાય છે !

આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !

કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?

માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !

સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

- રાકેશ હાંસલિયા

શુક્રવાર, 17 ડિસેમ્બર, 2010

સંબંધો

કેટલાક સંબંધો હોય છે- મોરપિચ્છ જેવા
સુંવાળા ને આંખોને ગમે તેવા.
કેટલાક સંબંધો હોય છે- ચંદ્ર, તારા જેવા
દૂરથી જ જોવાના, સ્પર્શી શકાય નહિ તેવા.
કેટલાક સંબંધો હોય છે- અત્તર જેવા
દૂરથી જ મઘમઘતા હોય.
કેટલાક સંબંધો મનના ખૂણામાં સંતાડી રાખવાના,
બીજા કોઈ જોઈ ન જાય, જાણી ન જાય.
કેટલાક સંબંધો હોય છે- મણ મણના બોજ જેવા,
એને ટાળી શકાતા નથી.
કેટલાક સંબંધો બસ તોડી જ નાખવાના
ક્યારેય યાદ નહિ કરવાના,
પાટી પરના અક્ષરની જેમ-
કાયમના ભૂંસી નાખવાના.
-ઉર્વશી પારેખ

શુક્રવાર, 26 નવેમ્બર, 2010

વૃક્ષ

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

- ધૂની માંડલિયા

રવિવાર, 21 નવેમ્બર, 2010

યુવાન જ છે !

ભવિષ્યનો જ વિચાર કરનાર
ગમે તે ઉંમરનો હોય,
એ બાળક જ છે !

ભૂતકાળની જ સ્મૃતિઓ
વાગોળ્યા કરનારો ગમે તે ઉંમરનો હોય
એ વૃદ્ધ જ છે !

વર્તમાનકાળમાં જ જીવતો હોય,
એ કોઈપણ ઉંમરનો હોય,
યુવાન જ છે !
-મુનિ રત્નસુંદર વિજયજી

મંગળવાર, 2 નવેમ્બર, 2010

નૂતન વર્ષે પ્રાર્થના


હે પ્રભુ ! તમને કરું હું, નૂતન વર્ષે કોટિ કોટિ વંદન,
તમને પ્રાર્થુ હું, વીતે મારું શેષ જીવન બની ચંદન.

લોકાર્થે ઘસાઉં છું, જેમ સંત તુલસીદાસ ઘસે ચંદન,
ઘસાઇને ચઢું છું, પ્રભુ શિરે બની તિલક જેમ ચંદન.

ભલે કાપે મને દુશ્મનો કુહાડી બની, જાણી વૃક્ષ ચંદન,
તેમને અર્પુ હું સદા મારી હાસ્યસુગંધ બની ચંદન.

હાસ્યસુગંધથી કરું હું, દુ:ખીઓનું સુગંધિત મન ચંદન,
હાસ્યસેવા એજ પ્રભુસેવા કરી, બનું પ્રભુપ્રિય ચંદન.

ખરું પૂછો તો ‘બિંદાસ’માં જ નથી, કોઇપણ જાતના ચંદન,
છતાં કહે છે સૌને, ‘‘નૂતનવર્ષાભિનંદન’’ સહિત વંદન.
- જયકુમાર દમણિયા